Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદર પક્ષી અભ્‍યારણમાં વન વિભાગ દ્વારા સ્‍વચ્‍છતા અને સારવાર કેન્‍દ્ર સહિત સુવિધાને આવકાર

પોરબંદર,તા.૪ :  માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો.વિ.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ, દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ સમગ્ર એશિયા ખંડની શહેરની વચ્‍ચે આવેલા પોરબંદરના પક્ષી અભિયારણ્‍યની મુલાકાત તાજેતરમાં લીધી હતી અને પક્ષી અભ્‍યારણમાં વન વિભાગ દ્વારા સ્‍વચ્‍છતા અને પક્ષી સારવાર સુવિધાને આવકારી હતી.

પક્ષી અભ્‍યારણમાં ડો. વિરમભાઇ ગોઢાણીયાનું આગમન થતા ફોરેસ્‍ટ એમ.જી. ચૌહાણ, ફોરેસ્‍ટ ગાર્ડ શ્રી. ડી.કે. ઓડેદરા, વહીવટી કર્મચારી કારાભાઇ ખૂંટીએ અવકાર આપીને તેઓનું અભિવાદન કર્યું હતું.

ફોરેસ્‍ટ એમ.જી. ચૌહાણે પક્ષી અભિયારણ્‍યની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, સુદામા અને ગાંધીનગરીમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં ગુજરાતનું પક્ષીધામ બન્‍યું છે. ખાસ કરીને ફલેમીંગો (સુરખાબ) આકર્ષણ રૂપ બની રહ્યા છે. પોરબંદરની આસપાસ આવેલ ૨૧ જેટલા ખાટા-મીઠા પાણીના જળ પ્‍લાવિત વિસ્‍તારોને લીધે ઠંડીની હાલની સિઝનમાં માત્ર સુરખાબ જ નહીં પરંતુ યુરોપ અને સાઇબેરીયાના દેશોમાંથી અનેક રંગબેરંગી પંખીઓ ગાંધી જન્‍મભૂમિના મહેમાન બનીને આવ્‍યા છે.

આ પક્ષીઓ પૈકી ૮૬ જેટલા પક્ષીઓ આ અભ્‍યારણમાં નિવાસ કરે છે. તેમણે પક્ષીઓની સારવાર, સહિતની વિગતો રજુ કરી હતી.

શહેરની મધ્‍યમાં આવેલું નયન રમ્‍ય પક્ષી અભ્‍યારણને નિહાળીને અભિભૂત થતાં ડો. વિરમભાઇએ વનકર્મી  અધિકારીઓને અભિયારણ્‍યની સ્‍વચ્‍છતા, પક્ષીઓ માટેનું સારવાર કેન્‍દ્ર, પક્ષીઓના નામ નિર્દેશવાળા બોર્ડ અને પક્ષી નિહાળવાનો ટાવર જોઇને અભિનંદન પાઠવ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે, પોરબંદરમાં સમગ્ર એશિયા ખંડમાં શહેરની મધ્‍યે  એક માત્ર પ્રથમ પક્ષી અભ્‍યારણ છે. જે પોરબંદરની પ્રજા માટે ગૌરવરૂપ છે. વિદેશી પક્ષીઓ આપણી આગવી ઓળખ છે તેને સાથે મળીને જતન કરવુ જરૂરી છે. સાથે સાથે અતિથિ એવા વિદેશી પક્ષીઓનું સંરક્ષણ કરવુંએ આપણા સૌની નૈતિક ફરજ છે.

આજના આધુનિક યુગમાં માણસ પોતાનો સ્‍વાર્થ સાધવા પ્રકૃતિનો આડેધળ નાશ કરાતો રહ્યો છે. જેથી પ્રકૃતિમાં રહેનાર દરેક સજીવનોના જીવન ઉપર ખતરો ઉભો થયો છે.  મનુષ્‍યના  વ્‍યવહારના કારણે ઘણા પશુ પક્ષી અને પ્રાણીઓ લુપ્‍ત થઇ ગયા છે તો પર્યાવરણની સમગ્ર જીવસૃષ્‍ટિ અને મનુષ્‍યજીવન ઉપર ખતરો ઉભો થશે. ભવિઊયમાં આવી સ્‍થિતી પેદા ન થાય અને માણસ અત્‍યારથી જ પ્રકૃતિ પ્રત્‍યે સભાન બને તે જરૂરી હતું.

(1:14 pm IST)