Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સૌરાષ્‍ટ્રમાં વારંવાર પકડાતા ડ્રગ્‍સનું પગેરૂ પોરબંદર તરફ હોવાનો ઇશારો

તાજેતરમાં રાજકોટમાં ડ્રગ્‍સ સાથે યુવતી ઝડપાઇ અને તે પહેલા મુંદ્રા કચ્‍છ માંથી ૪ વખત ડ્રગ્‍સનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. પુછપરછમાં ડ્રગ્‍સનો જથ્‍થો મુંબઇથી આવતો હોવાનું ખુલતા આ ડ્રગ્‍સ પોરબંદરના અંતરિયાળ કાંઠા ઉપરથી સૌરાષ્‍ટ્રમાં કોઇ શખ્‍સ દ્વારા લાવવામાં આવતો હોવાની શંકા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા ઉપર દેશહિત માટે નજર રાખીને સમયાંતરે સુરક્ષા માટે એલર્ટ કરતા ડેન્‍જર અને ચાર્લી તથા રોબર્ટ અને રોઝીના સર્વેના તારણ ઉપરથી સૌરાષ્‍ટ્રમાં વારંવાર પકડાતા ડ્રગ્‍સનું પગેરૂ પોરબંદર જીલ્લાના ૧૦પ કી.મી. લાંબા દરિયા કાંઠા ઉપરથી હોવાનો ઇશારો થયો છે.

થોડા સમય પહેલા કચ્‍છના મુંદ્રા પોર્ટ ઉપરથી કન્‍ટેઇનરમાંથી ડ્રગ્‍સનો મોટો જથ્‍થો તેમજ ત્‍યાર પછી દરિયાના પાણીમાં ડ્રગ્‍સના છુટા પેકેટો મળી  આવ્‍યા હતા. આ ડ્રગ્‍સ પકડાયુ તે પહેલા સૌરાષ્‍ટ્રના દરિયા કાંઠા ઉપર પ્રતિબંધીત નશીલા પદાર્થ જથ્‍થાના કન્‍સાઇમેન્‍ટનો અગાઉથી ડેન્‍જર-ચાર્લીના સર્વે ઉપર ઇશારો થઇ ગયો હતો. ત્‍યાર પછી મુંન્‍દ્રા પોર્ટ ઉપર ડ્રગ્‍સનો મોટો જથ્‍થો પકડવામાં સુરક્ષા એજન્‍સીને સફળતા મળી હતી. આ પહેલા પણ કચ્‍છમાંથી ચારેક વખત ડ્રગ્‍સ જથ્‍થો ઝડપાયો હતો.

તાજેતરમાં રાજકોટમાં ડ્રગ્‍સ સાથે ઝડપાયેલી યુવતીએ તેમના નિવેદનમાં આ ડ્રગ્‍સ રાજકોટના જમાલ પાસેથી લેતી હોવાનું જણાવ્‍યા બાદ પોલીસ જમાલને કોર્ટમાં રજુ કરીને રિમાન્‍ડ મેળવતા રીમાન્‍ડ દરમિયાન જમાલ પોતે મુંબઇના એક શખ્‍સ પાસેથી ડ્રગ્‍સ મંગાવતો હોવાનું ખુલ્‍યું હતું.

મુંબઇથી આવતો ડ્રગ્‍સનો જથ્‍થો સૌરાષ્‍ટ્રમાં  ઘુસાડવા માટે પોરબંદર જીલ્લાના દરિયા કાંઠાનો ઉપયોગની શંકા ડેન્‍જર-ચાર્લી અને રોબર્ટક-રોઝીએ  દર્શાવતા સૌરાષ્‍ટ્રમાં વારંવાર પકડાતા ડ્રગ્‍સ જથ્‍થાનું  પગેરૂ પોરબંદર તરફ હોવાનું અને આ અંગે ઉંડાણપુર્વક તપાસ જરૂરી બનતી જતી હોવાનું જણાય છે.

(1:19 pm IST)