Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી સિવિલમાં દેશી દારૂની પોટલી ઢીંચતા શખ્‍સોનો વિડીયો વાયરલ થયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૪ :  મોરબી પોલીસ દ્વારા છેલ્લા લાંબા સમયથી દેશ, વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવાની સાથે દરરોજ મોટી સંખ્‍યામાં પીધેલા બંધાણીઓને પકડવામાં આવી રહ્યા હોવા છતાં પણ પ્‍યાસીઓ સુધરવાનું નામ લેવાને બદલે ઉલટું પોલીસને પડકાર ફેંકી રહયા હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે પીલે..પીલે.. ઓ મેરે જાની ગીતની જેમ, મોરબી સિવિલમા બે દારૂડિયા જાહેરમાં દેશીની પોટલી પી રહયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 મોરબી સિવિલ હોસ્‍પિટલમાં રેઢા રાજ વચ્‍ચે અસામાજિક તત્‍વો અડો જમાવી રહ્યા હોવાનું અનેક ફરિયાદો વચ્‍ચે હવે તો સિવિલ હોસ્‍પિટલની અંદર જ દારૂડિયા ખુલ્લે આમ દેશી દારૂની પોટલી પીવા પણ જરા પણ ખચકાટ નથી અનુભવી રહયા. સિવિલ હોસ્‍પિટલમાં બે દારૂડિયાની આવી જ મહેફિલ જામતા કોઈ જાગળત નાગરિકે વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

 ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મોરબી નગરપાલિકાના બગીચામાં પણ આવો જ નજારો જોવા મળ્‍યો હતો અને બે દારૂડિયા ખુલ્લેઆમ દારૂ પિતા હોવાનો વિડીયો વાયરલ થતા એ ડિવિઝન પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરી બન્નેને કાયદાનું ભાન કરાવ્‍યું હતું. ત્‍યારે આ કિસ્‍સામા પણ પોલીસ ત્‍વરિત કાર્યવાહી કરી સિવિલ હોસ્‍પિટલને અસામાજિક તત્‍વોથી મુક્‍ત કરાવે તેવું લોકો ઇચ્‍છી રહયા છે.

(1:48 pm IST)