Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભવનાથમાં તંત્રનું મેળા પૂર્વે ડિમોલેશન : ગિરનાર તરફ જતા રસ્‍તા પરના દબાણો હટાવાયા

જૂનાગઢ,તા.૪ : મહાશિવરાત્રીના મેળા પૂર્વે ભવનાથમાં આજે તંત્ર દ્વારા સંયુક્‍ત ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા નાના મોટા દબાણો અને રોડ પરની અડચણો દૂર કરવામાં આવી હતી.

મેળા અધિકારી અને જિલ્લાના પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ જણાવ્‍યું હતું કે, કલેક્‍ટર રચિતરાજના માર્ગદર્શનમાં ભવનાથના મહાશિવરાત્રીના મેળા  સબબ વિવિધ કામગીરીની પૂર્વ તૈયારી થઈ રહી છે. ભવનાથમાં યાત્રિકોને ટ્રાફિકને લીધે મુશ્‍કેલી ન પડે તેમજ દબાણને લીધે લાખો ભાવિકોની અવરજવર ને પણ અસર થતી હોય છે.

તંત્ર દ્વારા ભવનાથના વિવિધ માર્ગો પર દુકાનોના વધારાના દબાણો કાચા બાંધકામ વગેરે મળી ૮૪ જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રાંત અધિકારી, મામલતદાર શહેર, મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્‍લાનર ગામીત તેમજ  પોલીસની ઉપસ્‍થિતિમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી સવારથી શરૂ કરવામાં આવી હતી. કેટલાક વેપારીઓ સ્‍વૈચ્‍છિક દબાણ પણ દૂર કર્યા હતા. દબાણ દૂર કરવા બે જેસીબી મશીન પણ રાખવામાં આવ્‍યા હતા.

જિલ્લા તંત્ર દ્વારા ભવનાથમાં મેળા દરમિયાન લોકોને ટ્રાફિક નડે તે માટે જાહેર હીતમાં દબાણો હોય તો સ્‍વૈચ્‍છિક દૂર કરવા અનુરોધ કર્યો છે.(૨૫.૭)

(1:42 pm IST)