Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબી ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડમાં મુખ્ય સૂત્રધાર સહીત બે આરોપી કોરોના પોઝિટિવ : અન્ય બેની ધરપકડ

અમદાવાદ, સુરત, મહેસાણામાં મોરબી પોલીસની તપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીથી લઈને સુરત સુધી ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને પોલીસે અગાઉ સાત ઇસમોને દબોચી લીધા બાદ સુરતના વધુ ચાર આરોપીને ઝડપ્યા હતા જે પૈકી બે આરોપીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તો અન્ય બેના રીપોર્ટ નેગેટીવ આવતા બેની ધરપકડ કરાઈ છે જયારે વધુ ચાર ઇસમોને ઝડપ્યા હોય કુલ સાત આરોપીના કાલે રીપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે તો મોરબી પોલીસ ટીમો અમદાવાદ, સુરત અને મહેસાણામાં સઘન તપાસ ચલાવી રહી છે.

ડુપ્લીકેટ ઇન્જેકશન પ્રકરણમાં મોરબી એલસીબી ટીમે અમદાવાદ અને સુરત પોલીસની ટીમોની મદદથી મોરબીના રાહુલ અશ્વિન કોટેચા રહે રવાપર ગામ મોરબી, રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી રહે મોરબી નવલખી રોડ ઉપરાંત મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસ પટણી રહે અમદાવાદ જુહાપુરા અને રમીઝ સૈયદહુશેન કાદરી રહે જુહાપુરા વેજીટેબલ રોડ તેમજ મુખ્ય સુત્રધાર મનાતો ઇસમ કૌશલ મહેન્દ્ર વોરા રહે સુરત અને પુનીત ગુણવંતલાલ શાહ રહે મુંબઈ વાળો તેમજ ૨૦૦૦ નંગ ઇન્જેકશન કારમાં મુકીને નાસી ગયેલ ઇસમ સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણ એમ ત્રણ સહીત સાત આરોપીઓને દબોચી લીધા બાદ પોલીસે વધુ ચાર ઇસમોને ઝડપ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ ૧૧ આરોપીની અટકાયત કરાઈ હોય.

જેમાં મોરબીના રાહુલ કોટેચા, રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી, તેમજ અમદાવાદના મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ મહમદઅબ્બાસ પટણી અને રમીઝ સૈયદ હુશેન કાદરી એમ ચારના ગઈકાલે સેમ્પલ લેવાયા હતા જે પૈકી મુખ્ય સુત્રધાર સહીત બે ઇસમોને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેથી તેને નિયમ મુજબ આઈસોલેશન સેન્ટર ખસેડવામાં આવ્યા છે જયારે અન્ય બે આરોપીની ધરપકડ કરી છે જયારે સુરતના મુખ્ય સુત્રધાર સહીત સાત આરોપીના સેમ્પલ રીપોર્ટ મંગળવારે આવ્યા બાદ ધરપકડ કરાશે તો બે આરોપીને કોર્ટમાં રજુ કરાય તેવા સંકેત પ્રાપ્ત થયા છે.

ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડના મૂળ સુધી પહોંચવા મોરબી એલસીબી, એસઓજી અને બી ડીવીઝન પોલીસ સહિતની ટીમો અમદાવાદ, સુરત અને મહેસાણામાં સતત છાપેમારી કરી રહી છે અને ગેંગનો છેલ્લો સાગરિત ના ઝડપાય ત્યાં સુધી પોલીસ સઘન તપાસ ચાલુ રાખે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(11:00 am IST)