Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સાંસદ આદર્શ ગામ ભાડથરમાં રૂ. ૧૬ લાખના ખર્ચે ફાળવેલ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન ધરાવતા સાંસદ પુનમબેન માડમ

દેવભૂમિ દ્વારકા તા. ૪ : ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અન્વયે પ્રાથમિક આરોગ્ય સેન્ટરને રૂ. ૧૬ લાખના ખર્ચે ફાળવેલ એમ્બ્યુલન્સનું સાંસદ પુનમબેન માડમે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભાડથરની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી થતા બે માસ પુર્વે મળેલ બેઠકમાં ગ્રામલોકોની માંગણીને ધ્યાને લઇ સાંસદ તથા વહિવટીતંત્રએ હકારાત્મક વલણ અપનાવી ભાડથર પી.એચ.સી.ને કોરોના કાળમાં લોકોની આરોગ્ય સેવા મજબુત બને તે હેતુથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.  આ એમ્બ્યુલન્સનો ભાડથર સહિત આજુબાજુના પાંચ ગામોને લાભ મળશે.

આ તકે સાંસદ પુનમબેન માડમે ગ્રામજનોને સંક્રમિત જણાય તો તુરંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી સારવાર લેવા અપીલ કરી હતી. આ તકે તેમણે ગ્રીન બાયર ફાઉન્ડેશન દિલ્હીનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે ભાજપ અગ્રણી વી.ડી. મોરી, આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઇ ચાવડા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઇ કરમુર, અગ્રણી હિતેશભાઇ પીંડારીયા, પરબતભાઇ ભાદરકા, ભાડથરના સરપંચ અરજણભાઇ કેસરીયા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સુતારીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જેઠવા તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:59 am IST)