Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જામનગરના પીપરટોડામાં વિજળી પડતા ૩૧.રર લાખનું ઘાસ ભસ્મીભુત

જામજોધપુરના ગોપ, જુનાગઢ, કચ્છ સહીતના વિસ્તારોમાં માવઠું: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ યથાવત

જામનગરના પીપરટોડામાં ઘાસ ડેપોમાં લાગેલ આગ નજરે પડે છે.

રાજકોટ, તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર દરરોજ સાંજના સમયે કમોસમી વરસાદ વરસી જાય છે. ગઇકાલે પણ જામજોધપુરના ગોપ, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠુ વરસ્યુ હતું.

જયારે જામનગરના પીપરટોડામાં વિજયી પડતા ૩૧.રર લાખનું ઘાસ ભસ્મીભૂત થઇ ગયું હતું.

આજે સવારથી અસહ્ય ઉકળાટ યથાવત છે.

જામનગર

જામનગર વન વિભાગ હેઠળની લાલપુર રેન્જના પીપરટોડા ઘાંસ ડેપો ખાતે તા.૧લી મે ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકના સુમારે જોરદાર પવન સાથે વરસાદ તથા વીજળી પડેલ. જેમાં સમગ્ર પંથકમાં પણ ત્રણ-ચાર સ્થળોએ વીજળી પડેલ.

આ વેળાએ ડેપો ખાતે પ્લેટફોર્મ નં,૧ પર અંદાજે ૩,૪૬,૯૨૪ કિ.ગ્રા. ઘાસની ૪૫૧૮ ગાંસડી ગોઠવેલ હતી જેની કીમત રૂ. ૩૧,૨૨,૩૧૬/- રૂપિયા થાય છે. તેના પર વીજળી પડતા આ તમામ ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. ડેપોના ચોકીદાર જયેન્દ્રસિંહ વાઢેરે તા.૧લી મે ના રોજ આશરે ૧૫:૩૦ કલાકે જોરદાર પવન અને કરા સાથેનો વરસાદ તેમજ ઘાંસ ડેપોના પ્લેટફોર્મ નં.૧ પર વીજળી પડયાની ટેલીફોનીક જાણ આર.એફ.ઓ એમ.ડી બડીયાવદરને કરી હતી.બાદ માં તમામ સ્ટાફ અને એકત્રિત થયેલા ગામલોકો આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગ્યા હતા.  શ્રી આર.બી.પરસાણાને બનાવની માહિતી મળતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાનમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક કરી વિવિધ અગ્નિશામક ટીમોને ઘટનાસ્થળે બોલાવી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.હાલ આગ લાગવાની ઘટનાને ૪૨ કલાકથી વધુનો સમય વિતી ગયો છે. અને આગને સંપૂર્ણ કાબુમાં લઈ ડેપો ખાતેના અન્ય પ્લેટફોર્મ પ્રભાવિત ન થાય તે માટેના પ્રયત્નો સફળ નીવડ્યા છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનને લઇ જૂનાગઢથી મુખ્ય વન સંરક્ષક શ્રી ડો. કે. રમેશે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ટીમો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ સમગ્ર ઘટના દરમ્યાન જામનગર જીલ્લા વહીવટીતંત્રનો સહકાર તેમજ આસપાસમાં આવેલા ઉદ્યોગગૃહના અગ્નિશામક ટીમોની પ્રસંશનીય કામગીરીએ વધુ મોટા નુકશાનમાંથી ઉગારી લેવામાં અગત્યની કામગીરી કરી હતી.અંત્રે ઉલ્લેખનીય છે કે જા.મ્યુ.કો ઉપરાંત જામજોધપુર ન.પા. રિલાયન્સ, એસ્સાર,ન્યારા, ભારતીય વાયુસેના,ભારત ઓમાન રીફાઈનરી, દિગ્વિજય સિમેન્ટ, G.S.E.C.L.વગેરેની અગ્નિશામક ટીમો દ્વારા પ્રસંશનીય ભૂમિકા અદા કરવામાં આવી હતી.

ભૂજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ભુજ પંથકમાં ભારે પવન સાથે કાલે ફરી વરસાદ વરસ્યા હતાં કચ્છના ભુજ તાલુકાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો અને કોટડા ચકાર સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકેલ હતો.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ જામનગર શહેર અને જિલ્લામાં રાત્રે જો કે, રાહત રહે છે અસહ્ય બફારા વચ્ચે કાલે જામજોધપુરના ગોપ અને ભાણવડના ગ્રામ્ય પંથકોમાં નોંધપાત્ર વરસાદના ઝાપટા પડયા હતા જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમાં બપોરે ભેદી ધડાકા બાદ સાંજે કમોસમી વરસાદ થતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.  જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે ત્યારે કુદરતે એક યા બીજી રીતે લોકોને આવવાનું શરૂ કર્યુ છે.

બપોરનાં ભેદી ધડાકા બાદ આજે પણ ગઇકાલની માફક સાંજના પાંચ વાગ્યે વાતાવરણમાં ઓચિંતા જ પલ્ટો આવ્યો હતો અને આ સાથે ચોમાસની જેમ વરસાદ શરૂ થઇ ગયો હતો.  આજના વરસાદથી રસ્તા પરથી પાણી દડવા લાગ્યા હતા અને ખાબોચીયા ભરાઇ ગયા હતા. જુનાગઢની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠાએ માજા મુકી હોવાના અહેવાલ છે.

(11:46 am IST)