Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જોડીયા - ધોરાજી - દેરડી (કુંભાજી)માં સ્વૈચ્છીક લોકડાઉન

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાં કોવિડ ગાઇડ લાઇનનું પાલન

પ્રથમ તસ્વીરમાં જોડિયા, બીજી તસ્વીરમાં ધોરાજી અને ત્રીજી તસ્વીરમાં દેરડી (કુંભાજી) બંધ નજરે પડે છે.

રાજકોટ,તા. ૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ શરૂ કરાયો છે.

જે અંતર્ગત જોડિયા, ધોરાજી, દેરડી (કુંભાજી) સહિત અનેક ગામોમાં કોવિડ ગાઇડ લાઇન મુજબ નિયમોનું પાલન થઇ રહ્યું છે.

જોડિયા

(રમેશ ટાંક દ્વારા) જોડિયા : જોડિયા ગ્રામ પંચાયત દ્વારા ૮ મી સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરાયો છે.

મેડિકલ સ્ટોર, દૂધની ડેર તથા ફલોર મીલ ખુલ્લી રાખી શકાશે. નાસ્તાની લારી તથા દુકાનો બપોરના ૩ થી ૭ વાગ્યા સુધી જ ખુલી રાખી શકાશે. તથા કાપડની દુકાન કે રેડિમેડ કપડાનો દુકાનો સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

આ સિવાય દુકાનો, લારી સવારના ૫ થી બપોરના ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. બહાર ગામથી આવતા ફેરીયાઓ સવારના ૫ થી બપોરના ૨ વાગ્યા સુધી માર્કેટમાં જ વેપાર કરી શકશે. શેરી મહોલ્લામાં ફરવાની મનાઇ રહેેશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળતા અને મૃત્યુઆંક પણ વધારે જોવા મળતા જે બાબતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલને ધ્યાનમાં રાખી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ તાત્કાલિક અસરથી બેઠક બોલાવી અને ગુરૂવારથી ગુરુવાર આઠ દિવસ સુધી સંપૂર્ણ ધોરાજી બંધ રાખવા બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ ધોરાજી એ સંપૂર્ણ બંધ રાખવા બાબતે તમામ વેપારી એસોસિયેશનની સંમતિ આપી હતી જેના અનુસંધાને ધોરાજી છઠ્ઠા દિવસે સંપૂર્ણ બંધ રહ્યું છે અને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જેન્તીભાઈ પાનસુરીયા ચુનીલાલ સંતવાણી પ્રવીણ ભાઈ બાબરીયા જસ્મીન ભાઈ પટેલ વિગેરે અગ્રણીઓએ ધોરાજીના તમામ હિન્દુ મુસ્લિમ વેપારી એસોસિએશનના હોદ્દેદારો નો આભાર માન્યો હતો અને જણાવેલ કે છ દિવસ સંપૂર્ણ ધોરાજી બંધ રહેતા કોરોના સંક્રમણ થોડું ઓછું થયું છે પરંતુ મૃત્યુઆંક પણ એટલો જ વધ્યો છે ત્યારે હજુ બે દિવસ ધોરાજી બંધના બાકી છે ત્યારે આ જ પ્રકારનો સહકાર આપવા તમામ વેપારી એસોસીએશનને વિનંતી કરી હતી આ સાથે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તેમજ સાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા અને નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી નો પણ સારો સહકાર આપવા બદલ તેમનો પણ આભાર માન્યો હતો અને હજુ આવો જ સહકાર બે દિવસ માટે ધોરાજીને આપે તેવી વિનંતી કરી હતી.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના સભ્યો દ્વારા દેરડી(કુંભાજી)ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરાને મૌખિક રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરતા સરપંચે બીજા જ દિવસે ઈમરજન્સી ગ્રામ પંચાયતની મિટીંગ બોલાવી હતી અને મિટીંગમાં સર્વાનુમતે ફરતો ઠરાવ કરીને બપોર બાદ ૩ વાગ્યાથી તારીખ-૩થી આગામી તારીખ ૧૦ સુધી ગામમાં ૭ દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.દેરડી(કુંભાજી) ગામે સાત દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે તેમનું કડક પાલન કરાવવા માટે તાલુકા મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સહિતના લોકોને સરપંચ દ્વારા પત્ર પાઠવીને અમલ કરવાનું જણાવ્યુ છે.ત્યારે ત્યારે દેરડી(કુંભાજી) ગામે હોસ્પિટલ,મેડીકલ ઈમરજન્સી સુવિધા રાબેતા મુજબ અને દુધની ડેરી સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી અને સાંજના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી તેમજ ફ્રુટના વેપારીઓને સવારથી બપોરના ૧ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.આ સાથે દેરડી(કુંભાજી) ગામે ઈમરજન્સી સુવિધાઓ સિવાયની તમામ સુવિધાઓ બંધ રાખ્યાની સાથે તબીબી સેવા માટે ગામમાં બહારથી આવતા અન્ય ગામના લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.આ ઉપરાંત દેરડી(કુંભાજી) ગામે દ્યણા લોકો ખાનગી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની મહામારી વચ્ચે વ્યાપક પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી ગામની તમામ ખાનગી સરકારી હોસ્પિટલો,મેડીકલ સ્ટોર સહિતની વસ્તુઓ રોજીંદા સેનીટાઈઝર કરવાની માંગ કરતા સરપંચ સહિત તમામ લોકોએ સ્વીકારીને તેમનો પણ અમલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.અને ગામમાં  ૭ દિવસના સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવેલ છે.

(11:52 am IST)