Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીના કોરોનાની સ્થિતિમાં આંશિક રાહત : દર્દીઓ ઘટયા

મોરબી તમામ ૯ કોવિડ કેર સેન્ટર બાદ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી પણ થોડી રાહતના સમાચાર : વેઇટીંગ નથી, બહાર એમ્બ્યુલન્સની લાઇન પણ નથી, અને થોડા બેડ પણ ખાલી હોવાની માહિતી મળી રહી છે : સિવિલ અને ખાનગી હોસ્પિટલોના કુલ ૪પ૮ બેડમાંથી ૩૧ ઓકિસજન અને ર૪ સાદા બેડ ખાલી બેડ ખાલી હોવાથી બહારગામના દર્દીઓ પણ સારવાર માટે મોરબી આવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી, તા. ૪:  મોરબીમાં ગત એપ્રિલ માસમાં કોરોનાએ રીતસરની તબાહી મચાવી હતી. પણ હવે મેં માસની શરૂઆતમાં જ કોરોનાની ગંભીર પરિસ્થિતિ સુધાર આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગત માસમાં હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી ન હોવાથી દર્દીઓને બહારના શહેરોમાં જવું પડતું હતું. પણ હવે પરિસ્થિતિમાં આંશિક રાહત થઈ હોય તેમ દર્દીઓ હોસ્પિટલમાં ઘટ્યા છે અને બેડ પણ ખાલી હોવાથી હવે બહાર શહેરોના દર્દીઓ પણ મોરબીમાં સારવાર લેવા આવે છે. એટલે હવે હોસ્પિટલમાં વેઇટિંગ રહેતું જ નથી. એમ્બ્યુલન્સ કે લોબીમાં સારવાર કરવી પડતી નથી. ઉપરાંત કોરોના કેસ સેન્ટરોમાં પણ દર્દીઓ ઓછા થયા હોવાથી આ રાહતના સમાચારથી મોરબીવાસીઓએ હાલ નિરાંત અનુભવી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી કોવિડ સેન્ટરમાં ગત એપ્રિલ માસમાં એકેય બેડ ખાલી ન હોય તે રીતે કોરોનાએ કહેર મચાવ્યો હતા. એપ્રિલ માસના અંતિમ ૧૨ કે ૧૫ દિવસમાં ઉતરોતર કોરોનાની પરિસ્થિતિ એટલી હદે વિકટ બની ગઈ હતી કે બેડ ન મળવાથી દર્દીઓની પરિસ્થિતિ નાજુક બની ગઈ હતી અને સેંકડો દર્દીઓને રાજકોટ કે જામનગર જવું પડતું હતું અને ત્યાં પણ બેડ ફૂલ થઈ જતા મોરબીના દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી. આવા સમયે વિવિધ સંસ્થાઓ, સમાજસેવીઓ અને અલગ અલગ જ્ઞાતિ સમુદાય આગળ આવી ને બેડના અભાવે સારવાર માટે પીડાતા દર્દીઓની સઘન સારવાર અર્થે ઠેર-ઠેર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. પણ મેં માસ શરૂ થતાની સાથે મોરબીવાસીઓના સહિયારા પ્રયાસોથી ધીરેધીરે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતી હોય એવું લાગી રહ્યું છે.

મોરબીની સિવિલ સહિતની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આજેની પરિસ્થિતિ જોઈતો રાહતના સમાચાર મળ્યા છે જેમાં સિવિલ હોસ્પિટલમાં આજની તારીખે કુલ ૧૫૪ બેડ છે જેમાંથી ૪ ઓકિસજન અને બે નોર્મલ બેડ ખાલી છે. સદભાવના હોસ્પિટલમાં કુલ ૩૦બેડમાંથી ૧૦ ઓકિસજન અને પાંચ સાદા બેડ તેમજ એક વેન્ટિલેટર ખાલી છે. ક્રિષ્ના હોસ્પિટલમાં કુલ ૧૨૦ બેડમાંથી ૫ ઓકિસજન અને બે સાદા બેડ ખાલી છે. આયુષ હોસ્પિટલમાં કુલ ૧૨૦ બેડમાંથી ૧૨ઓકિસજન અને ૧૫ સાદા બેડ ખાલી છે. આમ આ મોટી કહી શકાય એવી સિવિલ હોસ્પિટલ અને અન્ય ત્રણ ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ ૪૫૮ બેડમાંથી ૩૧ ઓકિસજનવાળા અને ૨૪ સાદા બેડ ખાલી છે.આ ઉપરાંત કોવિડ કેર સેન્ટરો અને અન્ય ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઘટ્યા હોવાથી બેડ ખાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે એટલે આ બેડના ખાલી આંકડાકીય વિગતો જોઈને એવું લાગે છે કે મોરબીમાં કોરોનાની પરિસ્થિતિમાં રાહત છે.

ગયા માસમાં એકેય હોસ્પિટલમાં બેડ ન હોવાથી અહીંના દર્દીઓને બહારના શહેરોમાં જવું પડતું હતું. પણ હવે પરિસ્થિતિ સુધારા પર આવતા હોસ્પિટલમાં બેડ ખાલી થવાથી બહારના શહેરોના દર્દીઓ મોરબી આવવા લાગ્યા છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના  છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ૬૦ જેટલા દર્દીઓ મોરબીની હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા હતા. એટલે મોરબી માટે પરિસ્થિતિ ઘણી રાહતદાયી છે.

રાહતના માત્ર સમાચાર મળી રહ્યા છે. પરંતુ હજુ કોરોના ગયો નથી ગઈ કાલે પણ રેકોર્ડ બ્રેક ૧૧૦ કેશ નોંધાયા છે. માટે હજુ પણ આપણી થોડી પણ લાપરવાહી ફરી કોરોનાનો ફરી ફુફાળો મારવા માટેનું કારણ બની શકેછે. માટે તમામ લૉકો નિયમો પાળે અને બિનજરૂરી બહાર ન નીકળે તોજ આપને કોરોનાને દેશવટો આપી શકીશું.

(1:02 pm IST)