Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના સામે જંગ જીતવા કચ્છનું અંગિયા ગામ સજ્જ- વેક્સિનેશન ઝુંબેશ સાથે ગામ દ્વારા કોવીડ કેર સેન્ટર સહિતની સુવિધા

હેલ્પ લાઈન, ગ્રામજનોને ખરીદી માટે ગાડી, ઘર અને ધાર્મિક સ્થળોને સેનીટાઈઝ સહિતની સુવિધા દ્વારા સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ગ્રામજનો સાથે મળીને ત્રણ માસનું ઘડ્યું આયોજન

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો બીજાના સંપર્કમાં વધું આવતા હોય છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે. જે અંતર્ગત ૧લી મે થી ગુજરાત સરકારે “મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી છે જેથી ગામડાના લોકોની સુરક્ષા માટે ગામડા જ સજાગ બને અને જરૂરી નિયંત્રણ તેમજ સુવિધા વિકસાવે.
  કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના  ૧૨૦૦ થી ૧૩૦૦ જણાની વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે 'કોરોના મુક્ત' થવાના આયોજન દ્વારા સફળ પરિણામ મેળવીને ગુજરાત સહિત કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. અહીં ગામમાં પ્રવેશીએ કે તરત જ આપણું સ્વાગત કરતું કોરોના મહામારી અંગે માહિતી આપતું અને જાગૃતિ ફેલાવતું પોસ્ટર જોવા મળે.મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગ્રામપંચાયતના સભ્યોએ સમગ્ર ગામ સાથે મળી જાગૃતિ દાખવીને આગમચેતીના પગલારૂપે જૂન માસ સુધી નું સચોટ આયોજન ઘડી કાઢ્યું છે. જેથી કોરોના મહામારી ને ટક્કર આપી તેની સામે બાથ ભીડી શકાય.
મોટા અંગિયા ગ્રામ પંચાયતે એક નવી જ પહેલ કરી અન્ય ગામડાઓને એક નવો દ્રષ્ટિકોણ બતાવ્યો છે.તેમણે જે પરિવારનું રસીના બંને ડૉઝ લઈને સો ટકા વેક્સિનેશન થયું હોય તેમના ગ્રામ પંચાયતના વેરા માફ કર્યા છે. જેથી લોકો આગળ આવી વેક્સિન લઈને પોતાના પરિવારને સુરક્ષિત બનાવે. ઉપરાંત ૫૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને જો ગામ બહાર દવા માટે કે કોઇ અગત્યની બાબતે ખરીદી કરવા જવું હોય તો પંચાયત ની ગાડી નિ:શુલ્ક આપવામાં આવે છે જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમનું બહાર જવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય.
   કોરોનાએ હજુ ગામમાં બહુ દેખા દીધી નથી પરંતુ સાવધાની ના પગલાં રૂપે તેમજ લોકોને અગવડ ના પડે તે માટે ગામ લેવલે જ ૧૫ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે.સાથે બીમાર વ્યક્તિઓ માટે અત્યારે સાત્વિક ભોજન સાથેની ટિફિન સેવા પણ શરૂ કરી છે ઉપરાંત હોમક્વોરંટાઇન લોકો માટે પણ અગાઉથી જ ટિફિનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
   ગ્રામ પંચાયત દ્વારા એક હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે જેથી ગામમાં કોઇને ઘરને સેનેટાઈઝ કરાવવું હોય તો તેનો સંપર્ક કરી શકે અને રજૂઆત થતાં જ વિથોણ પીએચસી સેન્ટરના સહયોગથી ઘરને સેનેટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત સમગ્ર ગામ, મંદિર, મસ્જીદ, જૈન દેરાસર વગેરે ને સેનેટરાઇઝ કરવામાં આવ્યા છે તથા જાહેર જગ્યાઓને અને ધાર્મિક સ્થાનોને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા છે. દર પંદર દિવસે ગામમાં જનરલ આરોગ્ય તપાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તથા પંચાયત દ્વારા અવાર-નવાર માસ્ક અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે.
  આ અંગે વધુ વિગત આપતા મોટા અંગિયા ગામના સરપંચશ્રી ઇકબાલભાઇ ઘાંચી જણાવે છે કે, ચેતતા નર સદા સુખી બસ આ વાતને જ ધ્યાનમાં રાખી આ મહામારીના સમયમાં આગમચેતીના પગલારૂપે ત્રણ મહિનાનું આગામી આયોજન ઘડી કાઢ્યું છે જેથી આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસવું પડે. આ સ્થિતિમાં તમામ ગામડાઓએ પણ જાગૃત બનીને કોરોના ને ટક્કર આપવી પડશે જે થકી આપણે ઝડપથી કોરોના સામેનો આ જંગ જીતી શકીશું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તમામ કામગીરીમાં તલાટીશ્રી વિરલાબેન ભટ્ટ તેમજ પંચાયત, ગામના લોકો,વિથોઁણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ અને આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનોનો પણ સહયોગ મળી રહે છે.

(6:44 pm IST)
  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST