Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

તાલાલામાં વિપ્ર યુવાનની હત્યા કરી અકસ્માતમાં ખપાવી માહિતી છૂપાવી હોવાનો આક્ષેપ

જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક મળી ગૃહમંત્રીને રજૂઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. તાલાલા નજીક અકસ્માતમાં તલાટી મંત્રી રવિકુમાર બાલકૃષ્ણ દવેનું મૃત્યુ થયું હતા આ ઘટના અંગે સમસ્ત બ્રહ્મ સમાજની મીટીંગ મળેલ જેમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ ઉપાધ્યાય, કમલેશ ભરાડ મનિષ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

તાલાલા મુકામે તલાટી મંત્રી રવિકુમાર બાલકૃષ્ણ દવેને કારની હડફેટે લઇ મોત ને ઘાટ ઉતારનાર કેટલાક ચાલક ઇસમો પોલીસ દ્વારા પકડાયેલ હોવા છતાં ખોટી માહિતી રેકર્ડ ઉપર લઇ આ મર્ડરના બનાવને અકસ્માતમાં ખપાવી અત્યંત ગંભીર પરિસ્થિતી ઉપજાવેલ છે જેની સામે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) ના ૮૦૦ સભ્યોમાં ખૂબ જ રોષ ભરી લાગણી ઉદભવી છે.

સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઇ જોશી, કાર્તિકભાઇ ઠાકર અને પ્રમુખ આશિષ ઉપાધ્યાય તથા મંત્રીશ્રી કમલેશભાઇ ભરાડ અને મનિષભાઇ ત્રિવેદી દ્વારા તાત્કાલીક મીટીંગ કરી અને આ મીટીંગમાં સંસ્થાપક જયદેવભાઇ જોશી દ્વારા જુનાગઢના તમામ ભુદેવોને અનુરોધ કરેલ છે કે આ વિપ્ર યુવાનના મર્ડર બાબતે અકસ્માતમાં ખપાવી જે લોકો ખોટી હકિકત છૂપાવે છે તેની સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવા રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી પત્ર લખી અને પોલીસની શંકાસ્પદ તપાસ કરનારાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી અને હત્યારાઓ સામે આઇપીસીની કલમ ૩૦ર નો ગુન્હો દાખલ કરી હત્યારાઓને તાત્કાલીક પકડવા રજૂઆત કરેલ છે.

આ બાબતે રજૂઆત કરતાં જુનાગઢના તમામ ભુદેવો અને સંસ્થાઓ સાથે રહી અને જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ તમામ સંસ્થા જેવી કે પરશુરામ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ એક થઇ અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરેલ છે અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ભુદેવોએ જણાવેલ છે.

(12:57 pm IST)