Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પડધરીના રાદડ ગામે પત્‍નીને પતાવી દઇ લાશ દાટી દઇ નાશી છુટેલ પતિની શોધખોળ

પોરબંદર પંથકની અલ્‍પા ઉર્ફે સવિતાને ભગાડી ગયા બાદ એમપીના દિનેશ ભાંભોરે તેની સાથે લગ્ન કર્યા'તાઃ દિનેશ બે સંતાનો સાથે નાસી છુટતા રૂરલ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધ


રાજકોટ, તા., ૪: પડધરીના રાદડ ગામે કોળી યુવતીને પતાવી દઇ લાશ કુંડીમાં દાટી દઇ નાસી છુટેલ પતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના રાદડ ગામે ભીખુભા જાડેજાની વાડીમાં ખેતમજુરી કરતા અને ત્‍યાં જ ઓરડીમાં રહેતી અલ્‍પા ઉર્ફે સવિતાબેન કોળીની પાણીની કુંડીમાંથી લાશ મળી આવતા પડધરી પોલીસને જાણ કરાઇ હતી. પડધરી પોલીસેઆ યુવતીની લાશને ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડી હતી. પીએમ રીપોર્ટમાં આ યુવતીની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાનું ખુલતા અને બનાવ બાદ આ યુવતીનો પતિ સંતાનો સાથે નાસી છુટતા પોલીસે નાસી છુટેલ પતિ દિનેશ ધવલા ભાંભોર (રહે. જાંબુવા, એમપી) સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર અલ્‍પા ઉર્ફે સવિતા કોળી સગીર હતી ત્‍યારે પોરબંદરના કુતિયાણામાંથી ર૦૧૬ના વર્ષમાં આરોપી દિનેશ અપહરણ કરી ભગાડી ગયો હતો. બાદમાં આ ગુન્‍હામાં પોલીસે દિનેશની ર૦૧૯માં ધરપકડ કરી હતી અને સગીરાને તેના પરિવારજનોને સોંપી દીધી હતી.  ત્‍યાર બાદ આરોપી દિનેશે જેલમાંથી છુટયા બાદ અલ્‍પા ઉર્ફે સવિતા સાથે લગ્ન કરી લીધાનું કહી તેને લઇ જઇ અલગ-અલગ સ્‍થળે રહ્યા બાદ છેલ્લે પડધરીના રાદડ ગામે ખેતમજુરી કામ કરતા હતાને ત્‍યાં જ બે સંતાનો સાથે રહેતો હતો.
નાસી છુટેલ દિનેશ ભાંભોરે પત્‍ની અલ્‍પા ઉર્ફે સવિતાને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશને પાણીની કુંડીમાં નાખી તેના ઉપર માટી નાખી દાટી દીધી હતી. કુંડીમાં દુર્ગંઘ આવતા વાડી માલીકે તપાસ કરતા લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી. હત્‍યારા દિનેશને ઝડપી લેવા અલગ-અલગ પોલીસ ટીમો રવાના કરાઇ છે. દિનેશ પકડાયા બાદ હત્‍યાનું સાચુ કારણ બહાર આવશે.

 

(12:07 pm IST)