Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ધ્રાંગધ્રા, ચોટીલા, થાન, સાયલા સહિતના તાલુકામાં વરસાદથી ખુશીની લહેર

સુરેન્‍દ્રનગરમાં પડેલા બે ઇંચ વરસાદના આંકડાની નોંધ તંત્ર પાસે નથી : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી, ઇસદ્રા, હરિપર, રાજગઢ અને ભરાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી વીજળી ડૂલ થવાની સાથે પાણી ભરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ :  સુરેન્‍દ્રનગર જિલ્લામાં અંતે મેઘરાજાએ હેત વરસાવ્‍યું છે અને રવિવારે બપોર પછી જુદા જુદા તાલુકામાં વરસાદ પડયો હતો. સુરેન્‍દ્રનગર શહેરમાં સતત દોઢ કલાક સુધી વરસાદ વરસતા આશરે બે ઇંચ જેટલો વરસાદ પડયો હોવા છતાં ડિઝાસ્‍ટર તંત્ર પાસે સુરેન્‍દ્રનગરમાં પડેલા વરસાદની માહિતી ન હતી. વઢવાણ તાલુકામાં તંત્રએ માત્ર ત્રણ મીમી વરસાદ નોંધ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર શહેર સહિત જિલ્લામાં અંતે રવિવારે મેઘ સવારી આવી પહોંચી હતી. સવારના ૬ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી ચોટીલા તાલુકામાં ૭ મી.મી, પાટડી તાલુકામાં ૫ મી.મી, લખતર તાલુકામાં ૩ મી.મી, વઢવાણ તાલુકામાં ૩ મી.મી અને સાયલા તાલુકામાં ૧૮ મી.મી વરસાદ નોંધાયો છે. ધાંગધ્રા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ધાંગધ્રા તાલુકાના વાવડી, ઇસદ્રા હરિપર, રાજગઢ અને ભરાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો. ધાંગધ્રા શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વચ્‍ચે લાઇટો ગુલ થઈ ગઈ હતી. કેટલાક વિસ્‍તારોમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદ ઉઠી હતી. ચોટીલા તાલુકામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્‍યું હતું. ચોટીલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોએ વાવેલ કપાસ સહિતના પાક ઉપર કાચું સોનું વર્ષ થયું હતું પરિણામે ખેડૂતોમાં ખુશીનો લાગણી છવાઈ ગઈ હતી. થાનગઢ પંથકમાં પણ હળવા ઝાપટા પડયા છે. મુળ બાબત એ છે કે સુરેન્‍દ્રનગરમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડવા છતાં વઢવાણ તાલુકામાં માત્ર ૩ મીમી વરસાદ પડયાની નોંધ થઈ છે. આ બાબતે ફલડ કંટ્રોલ રૂમને પૂછતા ત્‍યાંથી જણાવ્‍યું કે વઢવાણ ખાતે વરસાદ માપન કેન્‍દ્ર છે ત્‍યાં સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ બાબતે વઢવાણ ડિઝાસ્‍ટર નાયબ મામલતદાર કે.કે ધિયડને પૂછતા તેમણે પણ એવું જણાવ્‍યું કે વઢવાણ ખાતે આવેલા વરસાદ માપવાના કેન્‍દ્રમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો છે. સુરેન્‍દ્રનગરમાં નવી મામલતદાર કચેરીમાં પણ વર્ષા માપન કેન્‍દ્ર શરૂ કરવાની જરૂર છે. જેથી સુરેન્‍દ્રનગરમાં પડેલા વરસાદની માહિતી મેળવી શકાય.

 વરસાદ માપવાની સુવિધા જ નથી

સુરેન્‍દ્રનગરમાં પડેલા વરસાદની નોંધ વઢવાણ તાલુકામાં ગણવામાં આવે છે. રવિવારે સુરેન્‍દ્રનગરમાં બપોર પછી ધોધમાર વરસાદ પડયો હોવા છતાં વઢવાણ તાલુકામાં માત્ર ૩ મિમિ વરસાદ નોંધાયો હતો. તેનું કારણ વરસાદ માપવાનું કેન્‍દ્ર વઢવાણમાં છે અને વઢવાણ પંથકમાં ઓછો વરસાદ હતો. સુરેન્‍દ્રનગર ખાતે નવી બનાવવામાં આવેલી સિટી મામલતદાર કચેરીમાં પણ વરસાદ માપવાનું કેન્‍દ્ર બનાવવામાં આવે તો વરસાદની સાચી માહિતી મળે.ᅠ

મુખ્‍ય માર્ગો ઉપર

પાણી ભરાઇ ગયાᅠ

સુરેન્‍દ્રનગર શહેરમાં બપોર પછી વાતાવરણ પલટાયું હતું. બપોરના સાડા ત્રણ વાગ્‍યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એકધારો સતત દોઢ કલાક સુધી વરસાદ વરસ્‍યો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા. શહેરના મુખ્‍ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા. શહેરના નિચાણવાળા અનેક રહેણાંક વિસ્‍તારોમાં પણ પાણી ભરાયા હતા.

(12:02 pm IST)