Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ખંભાળિયાના ધરમપુર ખાતે કાલથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પ્રસ્‍થાન

પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ, આરોગ્‍ય કેમ્‍પ વિવિધ સ્‍પર્ધા

 જામ ખંભાળીયા :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા તા. ૫ થી ૧૯ જુલાઇ સુધી યોજાશે. જેના પ્રારંભે કાલે મંગળવારે ખંભાળિયાના ધરમપુર ખાતેથી  થશે.  ધરમપુરમાં સાંજે પાંચ વાગ્‍યે  રથનું આગમન થશે. ગ્રામજનો કુમકુમ તિલક કરી રથનું સ્‍વાગત કરશે.  ત્‍યારબાદ પ્રાર્થના કરી મહેમાનોનું ઔષધિય છોડથી સ્‍વાગત કરવામાં આવશે. પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ તેમજ વિવિધ સ્‍પર્ધા યોજાશે.

કાર્યક્રમના સ્‍થળે સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્‍ય કેમ્‍પનું આયોજન સાથે આયુષ્‍યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્‍થળે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રૂ. ૩૪.૧૮ કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત - લોકાર્પણ

ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમ્‍યાન થયેલા વિકાસને લોકો સુધી પહોચાડવાના  પ્રયાસ સ્‍વરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમ્‍યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૩૪.૧૮ કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોનુ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. જેમા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ વિકાસના કામોમાં ૬૦૬ કામ ખાતમુહૂર્ત (નવા મંજુર થયેલા કામની જાહેરાત)ના અને ૯૩૫ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

(1:14 pm IST)