Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાકિસ્‍તાનની જેલમાં ભારતીય માછીમારોને સજા પુરી થયા બાદ છોડવામાં આવતા નથી તેની પાછળ ભારત સરકારનું મોડું વેરીફિકેશન

જળ સીમાએ પાક મરીન દ્વારા ભારતીય માછીમારોના બોટ સાથે અપહરણ બાદ પાકિસ્‍તાનની જેલમાં રહેલા માછીમારોના નામ - રહેઠાણ સહિતનું વેરીફિકેશન ભારત સરકાર સમયસર પાક સરકારને મોકલતી ન હોવાની માછીમારોના પરિવારોમાંથી ઉઠતી ફરિયાદો : અપહરણ થયેલા માછીમારોના પરિવારો ઉપર આર્થિક સંકટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ : કચ્‍છની જખૌ જળસીમાએ ફિશીંગ કરતા ભારતીય માછીમારોને બોટ સાથે પાકિસ્‍તાન મરીન અવારનવાર અપહરણ કરીને ઉપાડી જાય છે. ભારતીય માછીમારોને અપહરણ કરીને પાકિસ્‍તાનની કરાંચી જેલમાં રાખવામાં આવે છે. અપહરણ થયેલ ભારતીય માછીમારોના નામ રહેણાંક સહિત અન્‍ય વિગતો પાકિસ્‍તાન સરકારને ભારત સરકાર સમયસર મોકલતી ન હોય પાકિસ્‍તાનની જેલમાં સજા પૂર્ણ થયેલ તેવા ભારતીય માછીમારોને જેલમાં વધુ દિવસો સુધી પૂરાય રહેવું પડે છે. પકડાયેલા ભારતીય માછીમારોનું વેરીફીકેશનનું કામ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી જેલમાંથી ભારતીય માછીમારોને છોડવામાં આવતા નથી તેવી ફરિયાદો માછીમારોના પરિવારોમાંથી ઉઠી રહી છે.

કચ્‍છની જળ સીમાએ માછીમારી કરતા ભારતીય માછીમારોને પાકિસ્‍તાન મરીન ઉપાડી ગયા બાદ આવા માછીમારોના પરિવારો આર્થિક સંકટમાં આવી જાય છે. પાકિસ્‍તાન જેલમાં રહેલ એવા ઘણા ભારતીય માછીમારોની સજાનો સમય પૂર્ણ થઇ ગયો હોય છતાં તેમનું વેરીફિકેશનની વિગતો પાકિસ્‍તાન સરકારને ભારત સરકાર દ્વારા મળી ન હોવાને કારણે માછીમારો પાકિસ્‍તાનની જેલમાંથી છુટી શકતા નથી. પાકિસ્‍તાનની જેલમાં હાલ ૬૩૩ ભારતીય માછીમારો છે. આ માછીમારોને પુરતુ ખાવા પીવાનું અપાતું નથી તથા અન્‍ય ત્રાસ અપાય છે.

પાકિસ્‍તાન મરીન દ્વારા અપહરણ કરાયેલ માછીમારો સાથે લઇ જવામાં આવેલી કિંમતી ફિશીંગ બોટો પાકિસ્‍તાન સરકાર ક્‍યારેય પરત આપતી નથી. જેના કારણે અબજો રૂપિયાની ફિશીંગ બોટો પાકિસ્‍તાનના બંદરો ઉપર સડી રહી છે. બોટને મોટું નુકસાન થઇ રહ્યું છે. આવી બોટોના નંબર અને નામ બદલાવીને દરિયામાં કેટલીકવાર ગેરકાનૂની કામ માટે ઉપયોગ પણ થઇ રહ્યાની શંકા અંગે માછીમારોમાં ચર્ચા છે.

(1:18 pm IST)