Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મંત્રી બ્રિજેશ મેરજા એક પછી એક ખાતમુહૂર્તો કરવામાં વ્‍યસ્‍ત : ત્‍યારબાદ એ કામો થાય છે ખરા ?

કેટલા કામો ચાલુ થયા, રોડ રસ્‍તાના કામો કેવા થયા એ જાણવાની તસ્‍દી તો લ્‍યો : મોરબી કોંગ્રેસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબી કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપો કર્યા છે કે મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકાએ શહેરને નર્કાગાર બનાવી દીધેલ છે, આજ જયાં જુઓ ત્‍યાં ઉભરતી ભૂગર્ભ ગટરના પાણી, શેરીગલ્લીઓમા અંઘકાર, પીવાના પાણી સાથે ગટરના પાણીની મિલાવટ‘પ્રજા દુઃખી - દુઃખી છે' ત્‍યારે પ્રજાના પ્રતિનિધિ એવા રાજય મંત્રી એક પછી એક ખાતમુહૂર્ત કરવામાં વ્‍યસ્‍ત છે. પરંતુ હકીકત એવી છે કે આવા ખાતમુહૂર્ત બાદ મહિનાઓ વીતવા છતાં પ્રજાના કામો થતા નથી, ઊલટું પ્રમુખના પતિ કમિશન કાંડ રચે છે ત્‍યારે મોરબી કોંગ્રેસ અગ્રણી મહેશ રાજયગુરુએ રાજયમંત્રી મેરજાને ખાતમુહૂર્ત બાદ કામોની તપાસ કરવાની પણ ટકોર કરી છે.

મોરબી કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજયગુરૂએ નિવેદનમાં જણાવ્‍યું છે કે, મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા પ્રમુખ અને તેની ટીમ નિષ્‍ફળ ગયેલ છે. બીજી તરફ રાજયના મંત્રી અને મોરબીના ધારાસભ્‍ય મેરજાને ખાલીને ખાલી ખાતમુહૂર્ત કરી પ્રસિદ્ધિ મેળવવા સિવાય પ્રજાની વેદના સાંભળવાની પડી નથી તેવા આક્ષેપ કર્યા હતા. ખાતમુહૂર્ત વીર ધારાસભ્‍યજી ખાતમુહૂર્ત બાદ એ કામ થાય છે ખરા ? આપે કરેલ કામના ખાતમુહુર્તમાંથી કેટલા કામ ચાલું થયા અને કેટલા કરેલ રોડ રસ્‍તાના કામ નબળા અને ટકાવારીથી થયા તે પણ જોવાની તસ્‍દી તો લો...!

મોરબી શહેરમાં હમણાં જ પાલિકાના પ્રમુખ પતિ અને સદસ્‍ય પતિનો ૬ ટકા જેવું કમિશન લેતા હોવા અંગેનો વિડિયો વાયરલ થયેલ છે. તો આ બાબત મોરબીના ધારાસભ્‍ય અને રાજયમંત્રી તરીકે આપે શુ કોઇ પગલાં લેવા સરકારમાં રજૂઆત કરી છે ? ઉપરાંત સિવિલ હોસ્‍પિટલમાં બે ડોકટરની નિમણૂક કરવામાં આવી તેવી સસ્‍તી પ્રસિદ્ધિ મેળવવા જાહેરાત કરી પણ આજે પણ એ ડોકટર ક્‍યાં છે ? એ પ્રજા જાણવા માંગે છે. તમે ધારાસભાની પેટા ચૂંટણી લડતા હતા ત્‍યારે તમે અને સૌરભભાઈ પટેલ મોરબીના યુવાનોના મત મેળવવા વચન આપેલ કે સામાંકાઠે આવેલ ક્રિકેટ મેદાનમાં હવે પછી ક્‍યારે પણ મેળાનું આયોજન નહિ કરીએ અને એ ગ્રાઉન્‍ડ રમત માટે જ રહેશે તો એ તમારા આપેલ વચનનું શુ થયુ ? તે મોરબીના યુવાનો જાણવા માંગે છે.

દરમિયાન ચૂંટણી આવતા શેરીએ ગલ્લીએ આપ ખાતમુહુર્ત કરી રહ્યા છો તે કામ થશે ખરા ? એ પ્રજા જાણવા માંગે છે. તેમ શ્રી રાજ્‍યગુરૂએ અંતમાં જણાવ્‍યું છે.

(1:27 pm IST)