Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બાબરાના દરેડ ગામે આપા મેરામના સમાધિ સ્થાને અષાઢીબીજની ઉજવણીઃ પુસ્તક વિમોચન

અમરેલી તા.૪ : ખુદ ઇશ્વર જેમની વહારે આવી અનેક પરચા પુરનાર બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ આપા મેરામના સમાધી સાનિધ્યમાં કોરોનાની વસમી  વિદાયના બે વર્ષ બાદ અષાઢી બીજની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં દશ હજાર જેટલા દર્શનાર્થીઓએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. અને  રાત્રીના સંતવાણીનો પ્રોગ્રામ પણ યોજવામાં આવેલ હતો. સતાધારના સંત પુ. શામજીબાપુ જેમને આપા ગીગા કરતા પણ મોટા લેખતા હતા. તેવા દરેડ ગામના આપા  મેરામની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે અને આજના દિવસે જ ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવે છે. કોરોના કાળે માનવીને ઘર કેદી બનાવી દીધેલ હતા. બે વર્ષના કપરા કાળમાં તમામ ધાર્મિક તેમજ જાહેર કાર્યક્રમો બંધ હતા. ત્યારે આ વર્ષે કોરોનાની અંશતઃ વિદાયથી માનવીની જીંદગીમાં હરખ છવાયેલ હતો. જે હરખની વધામણી રૃપે બે વર્ષ બાદ આપા મેરામના સમાધિના સ્થાને અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આજના પ્રસંગે રાજયના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, માજીમંત્રી જવાહર ચાવડા, સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાયેલ હતી. આજના દિવસે આપા હરદાસ અને આપા ગીગાના શ્રધ્ધાળુઓ ઉમટી પડેલ હતા. બપોર અને સાંજના મહાપ્રસાદનું ભવ્ય આયોજન મુળ દરેડના હાલ રાજકોટ નિવાસી વનરાજભાઇ ગરૈયા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં દશ હજાર કરતા પણ વધુ લોકોએ પ્રસાદીનો લાભ લીધેલ હતો. આજના પ્રસંગે આપા મેરામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવેલ હતુ. આજના પ્રસંગે સમસ્ત દરેડ ગ્રામજનોએ અનેર સેવા આપેલ હતી.

(2:00 pm IST)