Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સૌને અન્ન સૌને પોષણ- વિનામૂલ્યે અનાજ વિતરણ

સમાજના છેવાડાના લોકો માટે સરકાર કટિબધ્ધ- દિલીપકુમાર ઠાકોર : કચ્છમાં ૬૬૫ સસ્તાભાવની અનાજ દુકાનેથી વિનામૂલ્યે અન્ન વિતરણ, જિલ્લા કક્ષાના અન્ન દિન કાર્યક્રમનો રાપરથી પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતા હેઠળ રાપર ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની રાજય સરકારના ૫ વર્ષ સુશાસનના કાર્યક્રમ હેઠળ આજરોજ સૌને પોષણના સંકલ્પને ચરિતાર્થ કરતા સમગ્ર ગુજરાતમાં થઇ રહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ હેઠળ ૧૭ હજારથી વધુ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી લાભાર્થીઓને ૧૫ કિલો અનાજનું વિતરણ કરાશે એમ શ્રમ રોજગાર મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.

   ૬૯.૮૦ લાખના કુટુંબના ૩.૪૨ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનો લાભ મળશે જેમાં કચ્છની ૬૬૫ દુકાનો પૈકી રાપરમાં ૭૪ સસ્તા અનાજની દુકાને પાત્રતા ધરાવતા લાભાર્થીને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં રાપર તાલુકાના ૩૧૮૮૫ તથા રાપર શહેરના ૩૧૮૨ લાભાર્થીઓને અનાજ કિટ આપવામાં આવશે.

વૈશ્વિક મહામારી કોરોનામાં વિવિધ યોજના હેઠળ વિનામૂલ્યે કરાયેલ અનાજ વિતરણની માહિતી આપતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રીશ્રીએ તત્કાળ રાશનકાર્ડ વગરના, પરપ્રાંતના, મજુરો, શ્રમિકો, ઘર વિહોણા લોકો માટે એપ્રિલ ૨૦૨૦થી અન્નબ્રહમ યોજના અંતર્ગત ૬૩.૬ લાખ લોકોને પ્રતિ વ્યકિત દીઠ ૩.૫ કિલો ઘઉં,

૧.૫ કિલો ચોખા મળી ૫ કિલો અનાજ અને લાભાર્થી કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠાના ફૂડ બાસ્કેટનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. રૂ.૧૧ કરોડ આ અનાજ વિતરણમાં કચ્છના ૧૬૯૯૮ લાભાર્થીઓને અનાજ વિનામૂલ્યે અપાયું હતું.

પ્રધાનમંત્રીશ્રીની દિર્ધદ્દષ્ટિના પગલે ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ફેઝ-૪ ને જુલાઇ-૨૧થી રાષ્ટ્રીય અને સલામતી કાયદો ૨૦૧૩ NFSA હેઠળ મળવાપાત્ર રાશન લાભ ઉપરાંત વ્યકિતદીઠ પાંચ કિ. અનાજ વધારાના રાશન લાભ તરીકે વિનામૂલ્યે અપાશે. જિલ્લામાં ૧૩૪૪૮૪૯ લાભાર્થીને આ યોજનાનો લાભ મળ્યો છે.

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ યોજના હેઠળ કોરોના મહામારીમાં જિલ્લાના ૨૪૫૦૦૦ NFSA કુટુંબોના બેંક ખાતામાં રૂ.૧૦૦૦ ની રોકડ સહાય જમા કરાવવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ જિલ્લાના પરપ્રાંતિયો, મજુરો, શ્રમિકો પણ બાયોમેટ્રીક વેરીફિકેશનથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે. કેન્દ્ર અને રાજય સરકાર જરૂરતમંદોની થાળીમાં ભોજન પહોંચે તે માટે કટિબધ્ધ છે.

પ્રાસંગિક પ્રવચનમાં સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલે કચ્છ પ્રત્યેના વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના લગાવ અને વિકાસની વાતોને રજુ કરીને જણાવ્યું હતું કે, વિકાસને વરેલી સરકાર જનહિતની પણ ચિંતા કરતી રહે છે.

અગ્રણી ડો.હિતેશભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળના અંત્યોદય ગાંધીજીના સર્વોદય અને મુખ્યમંત્રીશ્રીના છેવાડાના માનવીના વિકાસને સરકાર સાકાર કરી રહી છે.

સ્વાગત પ્રવચનમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડો.રીનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૬૬૫ વ્યાજબી ભાવની દુકાનોમાં ૧૩૪૪૮૪૯ લાભાર્થીઓને NFSA હેઠળ અનાજ વિતરણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ચોથા તબક્કામાં ૨૮૬૫૫૬ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે.

આ કાર્યક્રમની આભારવિધિ રાપર પ્રાંત અધિકારીશ્રી જયભાઇ રાવલે કર્યુ હતું.

કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે પ્રવચનમાં વડાપ્રધાનશ્રીએ કચ્છના રીન્યુએલ એનર્જી પાર્ક અને કચ્છમાં નર્મદાના નીર અંગે ઉલ્લેખ કરતાં સૌએ હર્ષભેર એ વાતને વધાવી હતી.

આ તકે મંત્રીશ્રી સાથે મંચસ્થ મહાનુભાવોએ લાભાર્થીઓને ઘઉં અને ચોખાની અનાજકીટનું વિતરણ કર્યુ હતું. 

આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, ઉમેશ સોની, લક્ષ્મણસિંહ સોઢા, તુલસીભાઇ ઠાકોર, રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસંગ સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઇ ગોહિલ, નગરપાલિકા પ્રમુખશ્રી અમૃતબેન વાવીયા, શ્રી રમેશભાઇ મહેશ્વરી, રીબજી ચાવડા, ભીખુભા સોઢા, મેહુલ જોષી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.કે.રાઠવા, મામલતદારશ્રી એચ.કે.પ્રજાપતિ, આંકડા અધિકારીશ્રી ડી.જે.ચાવડા, રાપર ડેપ્યુટી ઈજનેરશ્રી ભરતભાઇ નાથાણી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મૌલિક વેશ અને કાર્યક્રમ સંચાલકશ્રી મહેશભાઇ સોલંકી તેમજ લાભાર્થીઓ અને શાસકપક્ષના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(9:29 am IST)