Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

૫ વર્ષ રાજ્ય સરકારના : સૌરાષ્ટ્ર-કચ્છમાં નારી ગૌરવ દિવસની ઉજવણી

જુદા-જુદા જીલ્લાઓમાં રાજ્યમંત્રીઓની ઉપસ્થિતીમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સહાય અર્પણ

રાજકોટ,તા. ૪:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણી અંતર્ગત દરરોજ અલગ -અલગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે જુદા-જુદા જીલ્લાઓમાં રાજ્યમંત્રીઓ-ચેરમેનની ઉપસ્થિતીમાં 'નારી ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર : સમગ્ર રાજયમાં '૫ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના' કાર્યક્રમ અંતર્ગત  'નારી ગૌરવ દિવસ' નિમિત્ત્।ે 'મહિલા ઉત્કર્ષ યોજના' અંતર્ગત મહિલા લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પંડીત દિનદયાળ હોલ ખાતે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં અન્ય ત્રણ જગ્યાઓ પર યોજાનાર કાર્યક્રમો અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બબુબેન પાંચાણીની ઉપસ્થિતિમાં ચોટીલા બ્રહ્મ સમાજની વાડી ખાતે, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચુડા સથવારા સમાજની વાડી ખાતે તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની ઉપસ્થિતિમાં પાટડી સુરજમલજી હાઈસ્કુલ ખાતે પણ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : જૂનાગઢ સ્થિત  ટાઉન હોલ ખાતે સવારે ૯-૩૦  કલાકથી પ્રવાસન રાજય મંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત એક લાખની વગર વ્યાજની લોનના ચેક અપાયા હતા. ઉપરાંત ૨૦૦ લાભાર્થીઓને લોન પત્ર, વ્હાલી  દિકરી યોજનાના લાભ, ગંગાસ્વરૂપ બહેનોને પેન્શનનો લાભ સહિતના કાર્યક્રમ યોજાશે. મ્યનિ. કમિશનર આર. એમ. તન્ના સહિતના અધિકારીઓ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

માણાવદર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ :  માણાવદર લાયન્સ હાયર સેકન્ડરી સ્કુલ હોલ તથા વિસાવદર ખાતે નગરપાલિકા કમ્યૂનિટી હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે લોન વિતરણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસકામોના ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ કાર્યક્રમ કરવામાં આવનાર છે. જિલ્લાના કુલ ૩૦૦ મહિલાને રૂપિયા એક લાખની વ્યાજ વગરની લોન અપાઇ હતી. આ લોનનું વ્યાજ સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવશે. આ ધિરાણના  માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બને છે તેમજ સ્વરોજગારી અને આજીવિકામાં મદદરૂપ બનશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : નારી ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉન હોલ, જામનગર ખાતે યોજાયો હતો.

જે કાર્યક્રમ અંતર્ગત માહિલાઓને જિલ્લાના વિવિધ સ્થળો પરથી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભો અપાશે તેમજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના સખી મંડળોને વિવિધ લાભો એનાયત કરાશે.કાર્યક્રમ અંતર્ગત બહેનોને બેન્ક ધિરાણ ચુકવવામાં આવ્યું  હતું..તેમજ વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું  હતું.આ સિવાય જિલ્લાના વિવિધ ૧૦ સ્થળોએ આંગણવાડીના નવીન મકાનોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું ઉપરોકત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : ૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના ઉત્સવ અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 'નારી ગૌરવ દિવસ' નિમિત્ત્।ે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ/ખાતમુહૂર્તનો માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મોરબી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારે મોરબી એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસના મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો 'નારી ગૌરવ દિવસ' નિમિત્ત્।ે નગરપાલિકા ટાઉનહોલ – ખંભાળીયા ખાતે  તથા દ્વારકા સ્થિત હિરબાઈ મેપાભા માણેક મેમોરીયલ કોમ્યુનિટિહોલ ખાતે ગુજરાત રાજય સં.નાટક અકાદમીના ચેરમેનશ્રી પંકજભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને 'નારી ગૌરવ દિવસ'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ.શાખા – દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકા અને ભાણવડ તાલુકામાં ૩-૩ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ખંભાળીયા તાલુકામાં ૭ તથા ભાણવડ તાલુકામાં એક આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમનું વિતરણ  કરાયું હતું.

(11:01 am IST)