Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજ્યનો કોઇ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : ડો.ધનસુખભાઇ ભંડેરી

ખંભાળિયા ખાતે ગુ.મ્યુ.ફા. બોર્ડના ચેરમેનની ઉપસ્થિતીમાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા,તા. ૪ : ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ડો.ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સ્થિત નગરપાલિકા ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ભાગરૂપે 'સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી'ની થીમ સાથે જિલ્લાકક્ષાનો 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત NFSA લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ચેરમેનશ્રીએ ગુજરાત રાજયનો કોઈ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્યિત થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવાયું હતું. રાજય સરકાર વિવિધ લોકકલ્યાણકારી યોજનાનું અમલીકરણ કરી ગતિશીલ ગુજરાતને પ્રગતિશીલ બનાવવાની દીશામાં કાર્યશીલ છે.

વધુમાં તેમણે રાજય સરકારે આ કાર્યક્રમ થકી નવ દિવસની ગુજરાતની પ્રજાની આરાધના કરી છે તેમ જણાવી રાજય સરકાર દરેક નાગરીકની સુવિધા અને જનસુખાકારી જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું. ગત વર્ષ લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન રાજયમા કોઈ પણ વ્યકિત ભૂખ્યા ન રહે અને સૌને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી સમયસર ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે અભૂતપૂર્વ કામગીરી કરી જરૂરીયાતમંદ લોકો સુધી અન્ન પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યુ છે તેમ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઈ જોગલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ચેરમેનશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ.જાની, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રશાંત મંગુડા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણઝારીયા, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જગુભાઈ રાયચુરા, ફાલ્ગુનીબેન સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું પાલન થાય તેમ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:44 am IST)