Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સહકારી સંસ્થાઓના નિતીનિયમો અને કાયદામાં સુધારો કરવો અત્યંત જરૂરી

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાની રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૩ :. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યુ હતુ કે, અમિતભાઈ શાહને કેન્દ્રમાં સહકારીતા મંત્રાલયના ખાતાની જવાબદારી સોંપવામાં આવેલ હોવાથી સારાયે ગુજરાતની સહ. સંસ્થાઓ તથા અનેક આગેવાનો તરફથી અભિનંદન અને શુભેચ્છા અખબારો મારફત અનેક નામાવલી સાથે આપવામાં આવેલ જે ગુજરાત માટે ગૌરવની વાત ગણાય.

સહકારી સંસ્થાઓમાં સત્તાધીશો તેમ જ સરકારની મદદથી કોઈપણ સંજોગોમાં સંસ્થા કબ્જે કરવા કે કબ્જો જાળવી રાખવા માટે નિતીનિયમો અને સિદ્ધાંતોનો સરેઆમ ગેરઉપયોગ થઈ રહ્યો છે, જેથી કાયદામાં સુધારા કરવાની ખાસ જરૂર છે.

સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર કે ટેકો આપનારની સહીઓ લેવાની પ્રથા બંધ થવી જોઈએ કારણ કે સહી કરનારને ખરીદી લઈને કે શરમાવી કે અન્ય કાવાદાવાનો ઉપયોગ કરી સોગંદનામા કરાવી હરીફ ઉમેદવારના ફોર્મ રદ કરાવવામાં આવે છે. રાજકોટ ડેરીની ગત ચૂંટણીમાં આ રીતે ૭ થી ૮ ફોર્મ રદ કરાવેલ. પ્રમુખે મારા ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કર્યાનો મંડળીના મંત્રીનો લેટરપેડ ઉપર દાખલો હોવા છતા ફોર્મ રદ કરાવેલ છતા ચૂંટણી બિનહરીફ થયાનું ગૌરવ લેવામાં નાનપ આવતી નથી.

દૂધ મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોની આવક સિવાયની કોઈ આવક કે સરકારનું કોઈ યોગદાન હોતુ નથી. જેથી મંડળીના વાર્ષિક હિસાબોમાં થતી નફાની રકમમાંથી કોઈપણ ભંડોળ કે ફંડના નામે કપાત કરવાની જોગવાઈ રદ થવી જોઈએ. નફાની પુરેપુરી રકમ ગ્રાહકોની મળવી જોઇએ.

દૂધ મંડળીમાં કોઇ ગ્રાહક ભેળસેળવાળુ દૂધ ભરી જાય તો ડેરી ૨૧ દિવસ કે વધુ દિવસો  માટે મંડળીનું દૂધ લેવાનું બંધ કરે છે જેથી અન્ય દૂધ ભરતા ગ્રાહકોને ખોટી રેતી હેરાન થવું પડે છે. કોઇ કેનમાં ભેળસેળવાળુ દૂધ નીકળે તો તે દૂધનો નાશ કરી દેવામાં આવે છે. રાજકોટ ડેરીએ પૈસા ચૂકવાવાના થતા નથી જેથી મંડળીને બંધ કરવાને બદલે ભેળસેળવાળુ દૂધ ન આવે તે માટે ડેરીએ તેમજ સરકારે મંડળીઓને મશીનીરી વસાવતા મદદ કરવી જોઇએ.

ગુજરાતની દૂધ મંડળીઓના કરોડો નહીં અબજો રૂપિયા અનામત ભંડોળ કે અન્ય ફંઢના નામે બેંકમાં જમા છે. આ રૂપિયાનો કોઇ ઉપયોગ થતો નથી. દૂધ ભરવાવાળાના જ અખા પૈસા છે જેથી અમુક ટકા રકમ જમા રાખી બાકીની રકમ ગ્રાહકોને ચુકવી દેવી જોઇએ. સરકાર કોઇ રકમ આપવાની થતી નથી. આ બાબતે મુખ્યમંત્રીશ્રી, સહકાર મંત્રી તથા પશુપાલન મંત્રીને લેખિતમાં રજુઆત કરવો છતાં કોઇ પરિણામ આવેલ નથી.

અમિતભાઇ શાહ અને ગુજરાત સરકાર આ બાબતે કોઇ નિર્ણય કરે તેવી દૂધ ભરતાં ગ્રાહકોની માંગણી છે. દૂધ સંઘો પણ આ અંગે રજુઆત કરે તેવી અપેક્ષા ભીખાભાઇ બાંભણીયાએ વ્યકત કરી છે.

(11:44 am IST)