Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજ્યનો કોઇપણ નાગરિક ભોજન વગર ન રહે દરેકને અન્ન દરેકને પોષણના પ્રધાનમંત્રી યોજના ગુજરાતે ચરિતાર્થ કરી બતાવ્યું : સૌરભભાઇ પટેલ

પાંચ વર્ષ સુશાસનના, પાંચ વર્ષ આપણી સરકારના : ધનવંતરી ઓડિટોરીયમ ખાતે ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં અન્નોત્સવ : દિવસની ઉજવણી કરાઇ, લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઇ : જામનગરના ૧૭૭ એફ.પી.એસ. કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ : વન નેશન, વન રાશનકાર્ડ યોજના લાગુ કરનાર ગુજરાત મોખરાનું રાજ્ય : સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કયા છે : રાજ્યમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે

જામનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજયમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ત્રીજા દિવસે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ધનવંતરી હોલ ખાતે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 આ પ્રસંગે સૌરભભાઇ પટેલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. રાજયમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે. સરકારે લોકોને પીવાના પાણી માટે સૌની યોજનાઅને કેનાલો દ્વારા ઘેર ઘેર નર્મદાનું પાણી પહોંચાડ્યું, તો વીજળી માટે જયોતિગ્રામ યોજના બાદ ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના થકી હાલ પાંચ હજાર ગામોને દિવસે વીજળી મળતી થઇ છે અને ૨૦૨૨ સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતને દિવસે વીજળી મળશે તેવી વ્યવસ્થાનું નિર્માણ થઇ રહ્યું છે. ગામડાનું અર્થતંત્ર બેઠું થાય તે માટે ટેકાના ભાવે સારી ખરીદી અને ખેડૂતોના ખાતામાં દર વર્ષે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ફેઝ- ૧ અને ૨ અંતર્ગત કોરોના કાળમાં એપ્રિલથી નવેમ્બર-૨૦૨૦ આઠ માસ દરમિયાનમાં જામનગર જિલ્લાના ૫૯.૫૪ લાખ લાભાર્થીઓને કુલ ૨૦ હજાર ૫૮૦ મે.ટન ઘઉં, ૮ હજાર ૮૧૬ મે.ટન ચોખા અને ૧ હજાર ૭૧ મે.ટન ચણાનું વિતરણ કરાયું હતું. તદુપરાંત કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન-૨૦૨૧ બે માસ દરમિયાન જામનગર જિલ્લાના સરેરાશ ૧૬ લાખ લાભાર્થીઓને ૫ હજાર ૧૪૪ મે.ટન ઘઉં, ૧ હજાર ૭૧ મે.ટન ચોખાનું વિતરણ કરાયું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ફેઝ-૪ હેઠળ વધુ પાંચ માસ માટે આ યોજનાનો લાભ લંબાવવામાં આવેલ છે જે નવેમ્બર ૨૦૨૧ સુધી લોકોને આપવામાં  આવશે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઇ કટારીયા,   શહેર પ્રમુખ  વિમલભાઈ કગથરા, સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નાયબ મ્યુનિ. કમિશનર વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા તથા બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)