Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સાવરકુંડલામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામુલ્યે અનાજ વિતરણ

વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારના પ વર્ષની ઉજવણી

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા તા. ૪ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા સફળ નેતૃત્વની ઉજવણી ભાગરૂપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થિઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો કાર્યક્રમ સાવરકુંડલા શહેરમાં વોર્ડ નં.૭માં એ.પી.એમ. સી. સાવરકુંડાલાના ચેરમેન અને જિલ્લા ભાજપ કિસાન મોર્ચા મહામંત્રી દિપકભાઇ માલાણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

મામલતદારના પ્રતિનિધી સર્કલ ઓફીસર  પાનસુરીયાભાઇ, ભાજપ ઉપપ્રમુખ વિજયભાઇ વિંઝુડા, કોષાધ્યક્ષ જતીનભાઇ મૈસુરીયા, પાલીકા સદસ્ય આસીફભાઇ કુરેશી, વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઇ પરમાર, વાજબી ભાવની દુકાનના ડિલર્સ હરેશભાઇ રાજા, નરેશભાઇ ભુવા સતીષભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ.જી.કે.એ.વાય યોજના અંતર્ગત અંત્યોદય યોજનાના કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોના કાર્ડધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરાયું હતું.

દિપકભાઇ માલાણીએ જણાવેલ કે, વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ વાળી રાજય સરકારના પાંચ વર્ષ થયાનો અવસર આપણા સૌના માટે ગૌરવ સાથે સંતોષની ઘડી છે. આ પાંચ વર્ષના સમય દરમ્યાન રૂપાણી એક સફળ અને સુશાસનનો અનુભવ સૌ ગુજરાતીઓને કરાવ્યો છે. તેમના કુશળ વહીવટ નીચે લોક કલ્યાણલક્ષી અનેક યોજનાઓ કે જેનું ભુતકાળમાં વિચાર કે ઉચ્ચાર સુધા થયો ન હતો તેવી યોજનાઓ અમલમાં મુકેલ છે.

શ્રી માલાણીએ વધુમાં જણાવેલ છે કે, આ બધીજ યોજનાઓ નીચે ગુજરાતના તમામ જરૂરિયાતમંદ નાગરીકો પછી તે કોઇપણ પક્ષ, ધર્મ કે જ્ઞાતિનો હોય તેના ભેદભાવ વગર લાભાર્થે બનાવેલ છે. જે એક અન્ડરલાઇન કરવા જેવી સૌ ગુજરાતના નાગરીકો માટે હકીકત છે જેમાં કયાંય જ્ઞાતિ-જાતી-ધર્મ કે પક્ષના ભેદભાવનો માપદંડ નથી જે પણ ગરવી ગુજરાતની શાખને વધુ પ્રબળ બનાવે છે.

(1:09 pm IST)