Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મુંદરામાં બે ગઢવી યુવકોના કસ્ટોડિયલ ડેથના આરોપી GRD જવાનની વચગાળાની જામીન અરજી કૉર્ટે ફગાવી

ગ્રામરક્ષક દળના જવાન વિરલ ઊર્ફે મારાજ જીતેન્દ્ર જોશીએ 2 માસ માટે વચગાળાના જામીન આપવા અરજી કરેલી

ભુજઃ મુંદરામાં ગત જાન્યુઆરી માસમાં બે ગઢવી યુવકોના થયેલાં કસ્ટોડિયલ ડેથના ચકચારી બનાવમાં ધરપકડ થયેલાં ગ્રામરક્ષક દળના જવાન વિરલ ઊર્ફે મારાજ જીતેન્દ્ર જોશીએ 2 માસ માટે વચગાળાના જામીન આપવા કરેલી અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. લુણી ગામના રહીશ વિરલે પોતાના પિતાનું મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરી પોતે પરિવારમાં એકનો એક દીકરો હોવાનું અને પિતાને પ્રોસ્ટેટની તકલીફ હોઈ ઓપરેશન કરાવવા માટે પોતાની હાજરી જરૂરી હોવાનું જણાવી માનવતાના ધોરણે 60 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા.

વિશેષ સરકારી વકીલ એ.આર. દેસાઈ અને ફરિયાદી પક્ષના મૂળ વકીલ ડી.વી.ગઢવીએ જામીન અરજી નામંજૂર કરવા માટે દલીલો કરી જણાવ્યું હતું કે પ્રોસ્ટેટની તકલીફ ગંભીર કે જીવલેણ નથી હોતી. આરોપીએ અગાઉ કરેલી જામીન અરજીઓ ફગાવાઈ ચૂકી છે. એટલું જ નહીં, 31-07-2021ના રોજ આરોપીના પિતાના પ્રોસ્ટેટનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને અન્ય સ્વજનોએ તેમની સંભાળ રાખી છે. ગુનાની ગંભીરતાને અનુલક્ષીને 8મા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેન્દ્ર જી. રાણાએ વિરલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

(10:46 pm IST)