Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મુંદરામાં પોલીસના ખોટા સહી-સિક્કા કરી વેરીફિકેશન સર્ટી બનાવતો યુવક ઝડપાયો

બારોબાર પોલીસ વેરીફિકેશનનો લેટર ઈસ્યૂ કરી આપવાના એક ષડયંત્રનો ભાંડો ફૂટ્યો

મુંદરા પોલીસ મથકની LIB શાખાના કર્મચારીઓના હોદ્દાનો ખોટો સિક્કો બનાવી, ખોટી સહીઓ કરી બારોબાર પોલીસ વેરીફિકેશનનો લેટર ઈસ્યૂ કરી આપવાના એક ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે. મુંદરા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ઝડપી પાડ્યો છે. મુંદરાની અદાણી વિલ્માર કંપનીમાં લેબર પૂરાં પાડતાં કોન્ટ્રાક્ટર દીપક તીવારીએ રાહુલ વિનોદકુમાર શર્મા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. તીવારીએ જણાવ્યું કે કંપનીમાં મોકલાતાં શ્રમિકોના આધારકાર્ડ અને પોલીસ વેરીફિકેશનનો લેટર આપવો પડતો હોય છે.

પોલીસ વેરીફિકેશનનો લેટર આપ્યાં બાદ જ મજૂરોને કંપનીમાં આવવા-જવા માટે ગેટ પાસ ઈસ્યૂ થાય છે. થોડાંક સમય અગાઉ તેઓ રાહુલ શર્માના સંપર્કમાં આવેલાં. રાહુલે પોતે આવી બધી કામગીરી કરતો હોવાનું જણાવ્યું હતું. સોમવારે જરૂર પડતાં તીવારીએ રાહુલનો સંપર્ક કરી 25 મજૂરોના આધારકાર્ડની વોટસએપ પર કોપી મોકલીને આ મજૂરોના પોલીસ વેરીફિકેશન કરાવી આપવાનું કામ સોંપ્યું હતું. મંગળવારે રાહુલ શર્માએ મજૂરોનું પોલીસ વેરીફિકેશન થઈ ગયું હોવાનું જણાવી LIB શાખાના કર્મચારીના સહી-સિક્કા સાથેનો લેટર તીવારીને આપી દીધો હતો. આટલી ઝડપે પોલીસ વેરીફિકેશન થઈ જતાં તીવારીને શંકા ગઈ હતી. કારણ કે અગાઉ તેઓ જાતે આ કામગીરી કરતા ત્યારે પોલીસ તેમને રૂબરૂ બોલાવતી. તમામ મજૂરોના આધારકાર્ડ અને તેમની સામે અગાઉ કોઈ ગુના નોંધાયેલાં છે કે તે ઓનલાઈન વેરીફાય કરતી. કોન્ટ્રાક્ટર પેઢીના એક પત્રની નકલ રજૂ કરવી પડતી. ત્યારબાદ જ વેરીફિકેશનનો લેટર ઈસ્યૂ થતો. જેથી તીવારીએ મુંદરા પોલીસ મથકે આવી તપાસ કરતાં રાહુલે આપેલો પોલીસ વેરીફિકેશનનો લેટર બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

(10:47 pm IST)