Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આવતીકાલે શિક્ષકદિન : શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ

પોરબંદર : ડો.રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી પણ તે શિક્ષક રહ્યા. વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસને ઉજવવાનું નકકી કર્યુ ત્યારે રાધાકૃષ્ણને પોતાનો જન્મદિવસ, શિક્ષકદિન તરીકે ઉજવાય તેવી અપેક્ષા વ્યકત કરી તેથી પ મી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે પ્રતિવર્ષ ઉજવાય છે. આ દિવસ શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ બને તો?....

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષક પિતા વીર સ્વામી ઉટયાનો ઉતમ વારસો પ્રાપ્ત થયો હતો તેઓ શિક્ષક પુત્ર હોવાનુ ગૌરવ અનુભવતા તેમનો જન્મ ચેન્નાઇથી ઉટી પશ્ચિમે આવેલ તિરૂતની ગામમાં પ સપ્ટેમ્બર ૧૮૮૮ના શુભદિને થયો હતો. ૧૨ વર્ષની વયે વેલ્વોર ગામમાં ખિસ્તી મિશનરી સ્કુલમાં શાલેય શિક્ષણ પ્રાપ્ત કરી મદ્રાસ (ચેન્નાઇ)ની કિશ્ચિયન કોલેજમાં દર્શનશાસ્ત્ર વિષયમાં એમ.એ.ની પદવી પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી હતી. ગરીબી તેમને પણ નડી હતી. પિતાના શિક્ષકત્વનું મુલ્ય તેમણે કયાય ઓછુ આંકયુ નથી. તેમણે એથિક ઓફ વેદાંત વિષય ઉપર લખેલ પ્રથમ નિબંધ ખૂબ ઉતમ કક્ષાનો નિવડતા લેખન પ્રવૃતિ માટે તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી.

માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઇ.સ.૧૯૦૮માં ચેન્નાઇની પ્રેસીડન્ટ કોલેજમાં દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ગણિતના અધ્યાપક તરીકે શિક્ષણજગતમાં અંગ્રેજી ભાષા પરનુ પ્રભુત્વ અને વ્યાખ્યાન પધ્ધતિથી ખ્યાતી પામ્યા. વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન મેળવ્યુ, દરેક વિદ્યાર્થીને વ્યકિતગત નામથી ઓળખતા વિદ્યાર્થીઓ માટે તેમના ઘરના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા તેથી વિદ્યાર્થીઓના પ્રિય થઇ પડયા અન્ય વિષયના વિદ્યાર્થીઓ તેમના વ્યાખ્યાનો સાંભળવા આવતા તેઓ આદર્શ ગુરૂમુર્તિ ડો.રાધાકૃષ્ણનના પુર્વજો સર્વપલ્લી ગામના હોવાથી તે ગામને કાયમ યાદ રાખતા તેમણે નામની આગળ ગામનું નામ સર્વપલ્લી ધારણ કર્યુ. ૪૦ વર્ષ શિક્ષણ કાર્ય કરીને ખ્યાતી મેળવી તત્વજ્ઞાનના વિજીટીંગ પ્રોફેસર તરીકે દેશ વિદેશની યુનિ.ઓમાં શિક્ષણકાર્ય કર્યુ. યુનેસ્કો કારોબારી સમિતિના અધ્યક્ષ, રાજદૂત, કુલપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાષ્ટ્રપતિપદ પામ્યા જવાહરલાલ નહેરૂ, લાલબહાદુરશાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વગેરે વડાપ્રધાનો સાથે કાર્ય કરવાનો લાભ મળ્યો. તેઓ રાષ્ટ્રપતિના પગારમાંથી માત્ર રપ ટકા જ પગાર લેતા તેમની ઉચ્ચતાની કદરરૂપે ટેમ્પલ્ટન (રૂ. એક લાખ) જેવા પારિતોષિક પ્રાપ્ત થયા. વિશ્વના વિવિધ ૧૩ દેશોએ તેમને ડાયરેકટરની પદવીથી નવાજયા. ૧૯૭૧માં ભારતરત્ન પુરસ્કાર મળ્યો. ૧૭ એપ્રિલ ૧૯૭૫ના રોજ તેમનુ નિધન થયુ.

સાચા શિક્ષકને તેનો વિદ્યાર્થી કાયમ પોતાના હૃદયમાં સાચવી રાખે છે. પુર્વ રાષ્ટ્રપતિ સદગત ડો.શંકરદયાલ શર્માનો એક પ્રચલિત પ્રસંગ યાદ આવે છે. ડો.શંકર દયાલ શર્મા રાષ્ટ્રપતિ તરીકે ઓમાનની મુલાકાતે ગયા. ઓમાનમાં આવતા કોઇપણ રાજદ્વારી પુરૂષનું સ્વાગત કરવા સુલતાન એરપોર્ટ પર જતા નથી. આ ત્યાનો પ્રોટોકોલ છે પણ તમામ રીવાજ નેવે મુકી સુલતાન કાલુસ બિન સઇદ અલ સઇદ ખુદ શંકર દયાલ શર્માને એરપોર્ટ પર લેવા ગયા આ ઉપરાંત રાષ્ટ્રપતિ શર્મા જે કારમાં બેઠા હતા તેના ડ્રાઇવરની સીટ ઉપર સુલતાન ગોઠવાઇ ગયા અને કાર ચલાવીને પોતાના મહેલે લઇ ગયા. ઓમાનમાં સતાધીશો આ જોઇને અવાક થઇ ગયા એ પછી સુલતાને સૌના આશ્ચર્યને સમજાવતા જણાવ્યુ કે, હુ ઓમાનના સુલતાન તરીકે ભારતના રાષ્ટ્રપતિનુ સ્વાગત કરવા નહોતો ગયો પણ એક વિદ્યાર્થી તરીકે મારા શિક્ષક રહેતા શર્મા સાહેબનું અભિવાદન કરવા ગયો હતો. હુ પુનામાં ડો.શંકરદયાળ શર્મા પાસે ભણ્યો છુ અને આજે મારા ગુરૂ મારા ઘરે આવે છે ત્યારે સન્માનપુર્વક લઇ જવા મારી શિષ્ય તરીકેની ફરજ છે આવો જ એક પ્રસંગ પોરબંદરના મહારાણા નટવરસિંહજીનો છે.

કવિ ન્હાનાલાલ ૧૯૧૮માં કાઠીયાવાડ એજન્સીના શિક્ષક નિયામક નિમાયા ત્યારે તેઓ પોરબંદર નિરીક્ષક તરીકે ગયેલા દરબારીઓએ મહારાજા નટવરસિંહજીને કહ્યુ કે ન્હાનાલાલએ માત્ર શિક્ષણાધિકારી છે અને પ્રોટોકોલ અનુસાર આપે એનુ સ્વાગત કરવા જવાનુ ન હોય અમે એમનું સ્વાગત કરી લઇશુ. નટવરસિંહજીએ કોઇ જવાબ ન આપ્યો પણ બધા આશ્ચર્ય વચ્ચે ટ્રેન આવવાના સમયે મહારાજા રેલ્વે સ્ટેશને આવ્યા અને વંદનપુર્વક કવિ ન્હાનાલાલનું સ્વાગત કર્યુ.

આ અંગે નટવરસિંહજીએ દરબારીઓને કહ્યુ કે, કવિ ન્હાનાલાલ એજન્સીના શિક્ષણાધિકારી પછી છે પ્રથમ એ મારા ગુરૂ છે. રાજકુમાર કોલેજમાં એમની પાસે ભણ્યો છુ એ મારે આંગણે આવે ત્યારે મારે જ એમનુ સ્વાગત કરવુ જોઇએ.આ પ્રસંગ સુચવે છે કે શિક્ષકનું તપ કયારેય એળે નથી જતુ. શિષ્યમાં એ હંમેશા રોપાતુ હોય છે અને તેનુ ફળ સમાજને મળ્યા કરે છે.

શિક્ષકમાં અસીમ સામર્થ્ય છે એણે એની બધી શાંતિઓને નિચોવી પથ્થરમાંની શિલ્પ કંડારવાનુ છે જો એ વિદ્યાર્થીઓને એવી રીતે કેળવે છે જેથી વિદ્યાર્થીઓના શરીરમાં તાકાત સ્વભાવમાં અનુશાસન, વૃતિમાં વિજય અને હૃદયમાં ભકિત આ ચાર ગુણોનુ નિર્માણ કરે તો બેડો પાર થઇ જાય. આચાર્ય ચાણકયના ઉદગાર પ્રમાણે શિક્ષક પ્રલય અને નિર્માણ બંનેનું સામર્થ્ય કેળવે અને સાચા અર્થમાં રાષ્ટ્રનો ઘડવૈયો બને એવી અભિલાષા સેવીએ..(૪૫.૩)

ડો.એ.આર.ભરડા

ડાયરેકટર

ડો.વી.આર.ગોઢાણીયા

બી.એડ.કોલેજ

પોરબંદર

(11:37 am IST)