Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ગોંડલના ગુંદાસરા ગામની ગૌચરની જમીન કૌભાંડ અંગે જીલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ

રાજકોટ, તા. ૪ : ગોંડલ તાલુકાના ગામ ગુંદાસરાની ગૌચરની જમીનનો ગેરકાયદેસર કબજો લઇ દસ્તાવેજ બનાવી અને ત્યારબાદ ચૂકસુધારા દસ્તાવેજ દ્વારા વારસાઇ હકક ડુબાડવા કરેલ ખોટા દસ્તાવેજો સબંધે જીલ્લા કલેકટરશ્રી, રાજકોટને કરેલ ફરીયાદ અનુસંધાને કલેકટરશ્રી દ્વારા તપાસ અંગે પ્રાંત અધિકારી ગોંડલને જાણ કરતા જમીન માફીયા ઉપર પગલા તોડાઇ રહ્યાનું જાણવા મળે છે.

આ ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામમાં ફરીયાદી ગંગાબેન દેવાભાઇ રાઠોડએ તેવી ફરીયાદ કરેલ કે, ગોંડલ તાલુકાના ગામ ગુંદાસરામાં સરકારી ખરાબા પાસે આવેલી ગૌચર જમીનનું દબાણ કરી અને તેના ઉપર ઉપજ નીપજ મેળવવાનું કાર્ય અમૃતલાલ કાળાભાઇ રૂપારેલીયા તથા ભરતભાઇ પરસોત્તમભાઇ રાણપરીયા (પટેલ) સંયુકત રીતે કરતા હોય અને ત્યારબાદ તે જમીનનો પોતાનો કબ્જો કાયદેસર બનાવવાના હેતુથી તા. ૧ર-૧૧-૧૯૯૯ના રોજ બાંયાબેન દેવાભાઇ રાઠોડ પાસેથી દસ્તાવેજ બનાવડાવેલ કે જે દસ્તાવેજમાં જમીનના રેવન્યુ સર્વે નં.૧૩૬ દર્શાવેલ અને ત્યાર બાદ તે જમીન એટલે કે ગૌચરની જમીનનો કબજો હોય અને પગલા લઇ શકાય તેવું હોય તેવું જણાય આવતા ભરતભાઇ પરસોત્તમભાઇ રાણપરીયાએ ર૦૦પમાં ફારગતી લખાણ કરી છુટા થઇ ગયેલ.

ત્યારબાદ સદરહું ગૌચરવાળી જમીન અમૃતલાલ કાળાભાઇ રૂપારેલીયાએ કરશનભાઇ ઓધવજીભાઇ પટેલને વર્ષ ર૦૧૦માં વેંચાણ કરેલ અને તેમાં વેંચાણ દસ્તાવેજ નોંધવામાં આવેલ તેમાં પણ ગૌચર જમીનના ફોટા રજૂ કરી દસ્તાવેજ થયેલ અને ત્યારબાદ ગૌચર જમીનનો કબ્જો ધરાવતા હોય વાવણી કરતા હોય, ઉપજ નિપજ મેળવતા હોય તે ગંભીર ગુન્હો હોય તેવું જણાતા સદરહું ખોટા કાગળો ઉભા દસ્તાવેજોને સાચા બનાવવાની બદદાનતથી ગામ ગુંદાસરાના રેવન્યુ સર્વે નં.૧૩૬ પેૈકીની જમીન કે જેમાં ફરીયાદી ગંગાબેન દેવાભાઇ રાઠોડનો કાયદેસરનો વારસાઇ હકક હોય અને તેના માલીક ફરીયાદીના માતુશ્રી બાંયાબેન દેવાભાઇ રાઠોડ કે જેની સો વર્ષથી વધુ ઉંમર હોય માનસિક રીતે અસક્ષમ હોય અને શારીરીક પણ સ્વસ્થ ન હોય તેમની પાસેથી રાજીબેન ચનાભાઇ પરમાર તથા જયાબેન જગાભાઇ દવેરાને ફોડી ચૂકસુધારા દસ્તાવેજ કરી અને ખોટા દસ્તાવેજને સાચો બનાવવા પ્રયત્ન કરેલ.  આ બાબતે જમીન માલીક બાંયાબેન દેવાભાઇ રાઠોડએ ડી.એસ.પી. રાજકોટ રૂરલને લેખિત ફરીયાદ કરેલ. ત્યારબાદ ફરીયાદી ગંગાબેન દેવાભાઇ રાઠોડએ ફરીયાદ કરેલ અને જીલ્લા કલેકટરશ્રીને પણ લેખીત ફરીયાદ કરેલ જે જીલ્લા કલેકટરશ્રી સમક્ષ થયેલ જમીન કૌભાંડ અને ગૌચર જમીન બાબતે લેખિત ફરીયાદ કરેલ તેના અનુસંધાને કલેકટરશ્રીએ આ ફરીયાદની ગંભીરતા લઇ ગોંડલ પ્રાંત અધિકારી સમક્ષ માહિતી માંગી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે શ્રી જતીનભાઇ ડી. કારીયા રોકાયેલ છે.

(11:41 am IST)