News of Wednesday, 4th October 2023
( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં આયોજિત રામકથાના પાંચમા દિવસે પૂ. મોરારી બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભજન કરવું હોય તો, પરમ તત્વ જ નહીં કોઈના પર શંકા ન કરતા. વધુમાં મોરારીબાપુએ આજે રસોડાની મુલાકાત લઈ ત્યાંની તૈયારીઓ નિહાળી હતી સાથે કામ કરતા સ્વયમ સેવકોને આશીર્વાદ પણ આપ્યા હતા.
રામકથાના પાંચમા દિવસે પહેલા શિવરામદાસજી સાહેબે કબીરવાણી પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું. બાપુએ કહ્યું કે કબીર સાહેબની પવિત્ર પ્રવાહી પરંપરાના સૌ સાહેબોને વંદન. શિવરામદાસજી કબીર પર સુંદર પ્રકાશ પાડી રહ્યા છે. કબીરચરિત માનસ કથા આપે કરવી જોઈએ કારણકે અત્યારે વક્તાઓની બહુ જરૂર છે.કબીર માત્ર કબીર પંથમાં જ ગિરફતાર થઈ જાય એ બરાબર નથી. દેશ,કાળ અને પાત્ર પ્રમાણે મહાપુરુષોએ પ્રસ્તુતિ અલગ કરી પણ-સભી સયાને એક મત-કબીર પ્રભાવિત નહીં પ્રકાશિત કરે છે.કબીર સાહેબે જગતને પણ પ્રકાશિત કર્યું છે.ગીતાજીમાં ૧૮ વખત શ્રદ્ધા શબ્દ આવ્યો છે. જાણે કે ૧૮ પુરાણનો સાર હોય.અશ્રદ્ધા તો ખૂબ નાની વાત છે,માત્ર ત્રણ વખત આવી છે.
શ્રદ્ધા માટે ૧૮-૧૮ પગથિયા ચઢવા પડે. માનસમાં જલાંજલિ, પુષ્પાંજલિ, શબ્દાંજલી, તિલાંજલિ જેવા શબ્દો આવ્યા છે. મંદોદરી રાવણની પાછળ તિલાંજલિ આપે છે. તિલાંજલિનો એક અર્થ હાથમાં તલ લઇ અને અંજલિ. બીજો અર્થ થાય છે-જળ. આ બધી જ અંજલિ અંતે બ્રહ્માંજલિ જ છે. કારણ કે શબ્દ બ્રહ્મ છે,જળબ્રહ્મ, પાણી બ્રહ્મ, પુષ્પ પણ બ્રહ્મ. આજના સંદર્ભમાં જળબ્રહ્મને વેડફવો નહીં.
દ્રુપદ અને દ્રોણના ગુરુ ભરદ્વાજની કથા કહી. દડો કુવામાં પડી જાય છે અને મંત્રથી લાવે છે એ કથા તેમ જ એકલવ્ય ભસતા કૂતરાનું મોઢું સાત બાણ મારીને બંધ કરે છે અને દ્રોણ એકલવ્યનો અંગૂઠો દક્ષિણામાં માગી લે છે. જેના ઘણા જ અર્થો થયા છે. એક અર્થ એમ પણ કહે છે કે સમાજરૂપી ભસતા કૂતરાઓની સામે પોતાની વિદ્યાનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણી ઉન્નતિના મૂળ આપણે ભૂલી જઈએ છીએ. દ્રુપદ, દ્રોણને ભૂલી ગયો છે. રામ તત્વને સમજવા પહેલા શિવ તત્ત્વ સમજવું પડશે. શિવચરિત્રની અંદર સતી પાંચ ભૂલો કરે છે અને મહાવિનાશ તરફ ગતિ કરે છે.પહેલા એ કથાની અવગણના કરે છે, પૂર્વગ્રહને કારણે કથા સાંભળતી નથી. ત્યારે શિવ બ્રહ્મ નિરૂપણ કહેતા કહે છે કે જેની કથા કુંભજે ગાઇ એ જ મારા ઇષ્ટદેવ રઘુરાય છે,એ રામ તત્વ છે વિનાશનું બીજું પગથિયું પરમ તત્વ પર શંકા.
બાપુએ કહ્યું કે પરમ તત્વ જ નહીં કોઈના પર શંકા ન કરતા જો ભજન કરવું હોય તો. પાંચ મિનિટ ભજન નથી કરતા એ ભજન પર મોટા લેખો લખે છે.વર્ષાઋતુ ઉપર લેખ લખે અને નીચોવો તો ટીપુ પણ પડતું નથી! વિનાશનું ત્રીજું પગલું શિવનું માનતા નથી શિવ એટલે વિશ્વાસ. વિશ્વાસની વાત બુદ્ધિ સ્વિકારતી નથી એ પતન તરફની ગતિ છે. બુદ્ધિ પરીક્ષાથી જ સ્વિકાર કરે છે, પ્રતીક્ષા કરતી જ નથી. ચોથી ભૂલ એ છે કે નકલી સીતાનું રૂપ લઈ અને જાય છે. પતનનું પાંચમું કારણ છે શિવજી પાસે ખોટું બોલે છે. આ કથા માત્ર લીલા છે જે આપણને સમજાવવા માટે ભજવાયેલી છે.
ભારત મહાભારત હતું, છે અને મહાભારત રહેશે. કારણ કે પાંચ સાવિત્રીઓ સમાયેલી છે. એક સત્યવાન સાવિત્રી જે પોતાના પતિવ્રત ધર્મ નિભાવે છે.બીજી સાવિત્રી નદી.ત્રીજો સાવિત્રી સવિતું મંત્ર પ્રકાશ.મહર્ષિ અરવિંદની સાવિત્રી મહા કાવ્ય.અને પાંચમું ભગવાન વેદ વ્યાસ મહાભારતના સારરૂપ નિચોડ કાઢતા હોય એવા બે શ્લોક લખે છે જે ભારત સાવિત્રી મંત્ર છે.ત્યાં બાપુ કહે છે કે એ મંત્ર મહાભારતનો ભરોસો દ્રઢ કરતા કહે છે કે જે ધર્મ અર્થ પ્રદાન કરે છે,તમામ કામનાઓ આપે છે, મોક્ષ પણ આપે છે એ ધર્મ તમને બધું આપે છે એનું સેવન કેમ નથી કરતા! ભરોસાથી એ ધર્મને પકડી લ્યો.કદાચ કામનાઓ છોડવી પડે, લોભ, પદ, પ્રતિષ્ઠા અરે પ્રાણ છોડવા પડે તો છોડી દો પણ એ ધર્મને છોડતા નહીં.એ ભારતસાવિત્રી મંત્ર છે.
મહાભારતની સુંદર કથા કહેતા બાપુ કહે છે કે મહાભારતના અંતે પાંચ પાંડવ, દ્રૌપદી અને સાતમો કૂતરો સ્વર્ગારોહણ માટે નીકળે છે અને એ વખતે એક પછી એક વ્યક્તિ હિમાલયમાં પડતા જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિર તટસ્થ સંવેદનહીન બની ગયો છે.પ્રથમ દ્રૌપદી પડે છે એ જોઈ અને મહાબલિ ભીમ ધર્મરાજને પ્રશ્ન પૂછે છે કે દ્રૌપદી કેમ પડી ગયા છે? ત્યારે ધર્મરાજ કહે છે કે દ્રૌપદી પક્ષપાત કરતી. પાંચ પાંડવોમાં અર્જુન તરફ એને વધારે પક્ષપાત હતો.બીજા સહદેવ પડે છે ફરી ભીમ પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે તેને જ્ઞાનનો અહંકાર હતો.પોતાનું જ્ઞાન કોઈને આપતો નહીં. ત્રીજો નકુલ પડે છે ફરી જવાબ મેળવે છે ધર્મરાજ કહે છે કે વધારે વરણાગી હતો એને પોતાના રૂપનો અહમ હતો.એ પછી ભીમ પડે છે અને અર્જુન પણ પડે છે. માત્ર ધર્મરાજ અને કૂતરો સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે એ વખતે ઇન્દ્ર વિમાન લઈને આવે છે અને કહે છે કે આપને સદેહ સ્વર્ગમાં લેવા માટે આવ્યો છું. ધર્મરાજ બે શરત મૂકે છે કે:મારા બધા જ ભાઈઓ અને દ્રૌપદીને સજીવન કરો ત્યારે ઇન્દ્ર કહે છે કે એ આપની પહેલા જ સ્વર્ગે પહોંચી ગયા છે,આપની પ્રતીક્ષા કરે છે.બીજી શરત છે આ કૂતરો પણ સાથે આવશે ત્યારે ઇન્દ્ર કુતરાના દુર્ગુણો વિશેની વાત કરે છે ધર્મરાજ મક્કમ રહે છે અને કુતરામાંથી ધર્મ પ્રગટ થાય છે એ કહે છે કે રૂપ,વિધ્વતા,પક્ષપાત સાથે નહીં આવે,બળ પણ સાથે નહીં આવે,વિદ્યા પણ નહીં આવે.માત્ર ધર્મ જ સાથે આવશે