Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ભાજપ સરકારના ખેડૂત વિરોધી કાયદા સામે જીલ્લા મથકોએ કોંગ્રેસનો હલ્લાબોલ

હાર્દિક પટેલ અમદાવાદ-સાણંદમાં : પરેશ ધાનાણી પાટણ જીલ્લામાં : ખેડૂતોને અન્યાયકર્તા કાયદા સામે ભારે આક્રોશ

જસદણ : વિંછીયામાં ખેડૂત સેવા સંગઠન દ્વારા ખેડૂત વિરોધી કાયદા સામે આવેદન પાઠવાયું હતું. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)

રાજકોટ, તા. ૪ : ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદા સામે ગુજરાત કોંગ્રેસ પણ મેદાનમાં આવીને આજે જીલ્લા મથકોએ 'હલ્લાબોલ' કાર્યક્રમ યોજીને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો છે.

આજે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અમદાવાદ-સાણંદમાં કાર્યક્રમમાં હાજર રહીને ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદશિત કરશે.

હાર્દિક પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે, દિલ્હી ચલો આંદોલનને કોંગ્રેસનું સમર્થન છે અને ૩ કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે જીલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ સાથે કલેકટર કચેરી-પાટણ ખાતેના ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

પરેશભાઈ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે પસાર કરેલા કાળા કાયદા વિરૂદ્ધ અવાજ ઉઠાવીને ભાજપ સરકારને જગાડવા પ્રયાસ કર્યો છે. સરકારે ગેર બંધારણીય રીતે કાળો કાયદો લાવીને ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે આ કાળા કાયદાઓથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનશે, ખેડૂતોની જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને વેંચી દેવાશે અને માર્કેટીંગ યાર્ડો બંધ થઈ જશે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂત બિલો લાવવામાં આવ્યા હોય જે ખેડૂત વિરોધી બિલો હોય જેને લઈને દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કૃષિ વિરોધી બિલ સામે હલ્લાબોલ સાથે વિરોધ પ્રદર્શન કરીને કલકટરને આવેદન પાઠવ્યુ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ કેન્દ્ર સરકારના કિસાન વિરોધી કાળા વિધેયક નાબુદ કરવા તેમજ દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને સમર્થન કરવા કેન્દ્ર સરકારની કિસાન વિરોધી નીતિ સામે મોરબી કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યુ હતું. જેમા કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. : વિંછીયામાં રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા ટ્રસ્ટ અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના માધ્યમથી વિંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત વિરોધી ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં એક માર્કેટિંગ યાર્ડના કાયદામાં સુધારો, બીજુ આવશ્યક ચીજવસ્તુઓના ધારાનો સુધારા-વધારા, ફાર્મિંગ એકટ એમ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને ખૂબ નુકસાન થવાની ભીતિ છે. તો ખેડૂતોના હિત માટે કોઈ કાયદા પસાર કરવામાં આવે તેના અનુસંધાને હાલ અલગ-અલગ રાજયના ખેડૂતો દિલ્હી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના સમર્થનમાં વિંછીયા રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટ અને ખેડૂત સેવા સંગઠન મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં ખેડૂતના આ ત્રણેય કાળા કાયદા પરત ખેંચવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે તેવું ખેડૂત આગેવાન અને ટ્રસ્ટીઓ મારફતે કહેવામાં આવ્યું હતું. આ તકે સેવા શકિત ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા, રસિકભાઈ કાણોતરા અને ખેડૂત સેવા સંગઠનના પ્રમુખ જયંતીભાઈ ગોહિલ, ભગીરથભાઈ વાલાણી સહિતના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.

(11:18 am IST)