Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જુનાગઢમાં શિક્ષકોના ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે લગ્ન મંડપેથી નવવધુ પણ આવ્યા

સરકારી માધ્યમીક શાળામાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ભરવા કાર્યવાહી

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ : જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગર્લ્સ હાઇસ્કુલ જુનાગઢ ખાતે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે કેમ્પ ચાલી રહયો છે.

જેમાં ગઇકાલે યોજાયેલ આ કેમ્પ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્યમીક શાળામાં ખાલી પડેલ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઇન ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જેના ભાગરૂપે ઉમેદવારોએ અરજી કરેલ છે તેમને મેરીટના ધોરણે તેમની લાયકાતના પ્રમાણપત્રનું રૂબરૂ ચકાસણી માટે જુનાગઢ જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવેલ.

શ્રી આર.એસ.ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં ૧૮૪ ઉમેદવારોને બોલાવવામાં આવેલ આ ઉમેદવારોને મેરીટના ધોરણે આવતા અગ્રતા ધોરણે સરકારી માધ્યમીક શાળામાં નિમણુંક આપવામાં આવનાર છે. વેરીફીકેશન દરમિયાન કોઇ ઉમેદવારોને મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

શ્રી ઉપાધ્યાયે વધુમાં ઉમેર્યુ હતું કે હાલ જયારે લગ્નના દિવસો ચાલે છે ત્યારે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે ચોરીના ચાર ફેરા ફરતા પહેલા જુનાગઢના એક ઉમેદવાર અપેક્ષાબેન હદવાણી ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદાવર બની પોતાની લાયકાતના પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે હાજર રહયા હતા. આ સમયે ટીમ સોરઠ દ્વારા પ્રભુતામાં પગલા પાડનાર ઉમેદવારને પુરા સન્માનથી બેઠક વ્યવસ્થા કરી આપેલ હતી.

તો બીજી તરફ એક એવી ઘટના બની તી કે એક મહિલા ઉમેદવારને ડીલેવરી આ દિવસોમાં આવતા તેમના પ્રતિનિધીને ઓથોરીટી મેળવી એમને નોકરીથી વંચીત ન રહે તે માટે ડોકયુમેન્ટ વેરફીકેશન કરાવી આપેલ. રાજય સરકારી પારદર્શક વહીવટીને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલલની ટીમ પ્રયાસ કરી રહી છે. આ બંન્ને ઉમેદવારોને જય સોરઠ શિક્ષણ સાથે અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

(1:09 pm IST)