Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

સતયુગ આવે ત્યારે, આવો નવો કળિયુગ રચીએ - શ્રી મોરારિબાપુ

ભાવનગરમાં 'માનસ કેવટ' રામકથા લાભ

(વિપુલ હિરાણી ) ભાવનગર :  ભાવનગરમાં ગઈકાલથી પ્રારંભ થયેલ રામકથામાં શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સતયુગ જ્યારે આવે ત્યારે, આવો આપણે સામાજિક સેવા કાર્યો સાથે નવો કળિયુગ રચીએ

શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજક બનીને ભાવનગરમાં યોજાયેલ આ રામકથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ' 'કેવટ બુધ...' ચોપાઈ ગાન સાથે રામકથા પ્રસંગોના પ્રવાહમાં કહ્યું કે, અન્ય યુગો કરતા કળિયુગ સારો છે. સતયુગ જ્યારે આવે ત્યારે આવો આપણે સામાજિક ધાર્મિક અને માનવીય કાર્યો કરીને નવો કળિયુગ રચીએ.

'માનસ કેવટ' રામકથા વિષય સાથે શ્રી મોરારિબાપુએ જણાવ્યું કે રામાયણના બાલકાંડનો પ્રારંભ, અયોધ્યાકાંડનો મધ્ય અને ઉત્તરકાંડનો અંત જાણે તે સંત. પોતે રામકથા કરે છે તે જ્ઞાનયજ્ઞ કરતા વધુ પ્રેમયજ્ઞ છે, તેમ જણાવી શુદ્ધ પવિત્ર પ્રેમનો મહિમા વર્ણવ્યો હતો.

રામાયણના મુખ્ય પાત્રો વિશે શ્રી મોરારિબાપુએ રામ એટલે સત્ય, ભરત એટલે પ્રેમ અને સીતા એટલે કરુણા તેમ જણાવી સત્ય, પ્રેમ અને કરુણાનો મહિમા જણાવ્યો. રામકથા એ ન્યાયાલય નહિ પણ ઔષધાલય હોવાનું જણાવી  તેનાથી ભવરોગ મટતા હોવાનો ભાવ જણાવ્યો.

રામકથાના બીજા દિવસે શ્રી નેહલ ગઢવીના પ્રારંભિક સંચાલન સાથે અગાઉ શ્રી અયોધ્યાદાસ નિમાવત અને વૃંદ દ્વારા ભક્તિગાન રજૂ થયેલ. અહી રાજવી પરિવારના શ્રી સંયુક્તાકુમારીજી, સાહિત્યકારો શ્રી નીતિન વડગામા, શ્રી વિનોદ જોષી, શ્રી પ્રણવ પંડ્યા સાથે શ્રી ભારતીબેન વ્યાસ, શ્રી સુભાષ ભટ્ટ સહિત મહાનુભાવો જોડાયા હતા.

યજમાન પરિવારના શ્રી કેવટ વાનાણી તથા શ્રી દિશા વાનાણી અને શ્રી ધાર્મિક વાનાણી તથા શ્રી પ્રાચી વાનાણીએ સૌ ભાવિક શ્રોતા મહેમાનોના આવકારમાં રહ્યા છે.

ભાવનગરની રામકથાનું ભંડોળ સામાજિક સંસ્થાઓને અર્પણ

 

ભાવનગરમાં વાનાણી પરિવાર દ્વારા નિમિત્તમાત્ર આયોજક રહીને યોજાયેલ આ રામકથાનું ભંડોળ સામાજિક સંસ્થાઓને અર્પણ થશે.

શ્રી મોરારિબાપુએ આજે વ્યાસપીઠ પરથી કરેલ જાહેરાત મુજબ ચિત્રકૂટધામ દ્વારા પ્રથમ તુલસી પત્ર સ્વરૂપે રૂપિયા ૧ લાખ ૨૫ હજાર જાહેર કર્યા હતા. અહી કથા દરમિયાનના ભંડોળનું વિતરણ પણ તરતના દિવસોમાં જ કરી દેવાશે તેમ ઉમેર્યું હતું

 

આ ભંડોળ વ્યવસ્થા માટે કથા આયોજક પરિવારના વડા શ્રી જયંતભાઈ વનાણી સાથે શ્રી નેહલ ગઢવી તથા શ્રી પાર્થિવ ગોહિલ રહેશે.

(6:20 pm IST)