Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભાવનગરમાં મોંઘવારીના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી યોજાઇ : ઇંધણ વિનાના વાહનો ઉંટગાડી, ઘોડાગાડી ઉપર બેસી કોંગ્રેસીઓ કલેકટર પાસે ગયા : અનોખો વિરોધ

ભાવનગર : અસહ્ય ભાવવધારો અને પેટ્રોલ ડીઝલ તેમજ ગેસ સિલિન્ડરના વધતા જતા ભાવોને લઇને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના જશોનાથ સર્કલથી સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સાયકલ, ઊંટગાડી અને ઘોડા ગાડી લઈને કલેકટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. દેશમાં ડગલેને પગલે મોંઘવારી વધતી જાય છે અને લોકોને જીવનનિર્વાહ ચલાવવા હવે અત્યંત મુશ્કેલ બની ગયું છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર હોય ત્યારે ફકત ભારતમાં જ પેટ્રોલ - ડીઝલમાં અસહ્ય ભાવવધારો કરી અને આમ જનતાની કમર તોડી નાખવામાં આવી છે, સરકાર ધારે તો કેન્દ્ર અને રાજય સરકાર પેટ્રોલ - ડીઝલ પરની રોયલ્ટી તથા જીએસટી ઘટાડીને લોકોને રાહત આપી શકે પરંતુ સરકારની નિયત ના હોય , તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં લોકોને જીવન નિર્વાહ ચલાવો મુશ્કેલ બની ગયો હોય આવા સમયે સંજોગોમાં પેટ્રોલ - ડિઝલના વધતા ભાવોને લઇને જીવન જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સરકાર દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવ ૩૨૫ રૂપિયાથી લઈને આજે ૭૦૦ રૂપિયા કરતાં વધુ છે. ત્યારે સરકાર દ્વારા અસહ્ય મોંઘવારી માં જીવન જરૂરી વસ્તુઓના ભાવોમાં કાબુમાં લેવામાં આવે અને મોંઘવારીથી લોકોને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  જશોનાથ સર્કલથી સાયકલ, ઘોડા ગાડી, જેવા પેટ્રોલ ડિઝલ વિનાના વાહનો લઇ રેલી યોજી હતી અને કલેકટરને મોંઘવારી મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:18 am IST)