Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઝીંઝુવાડામાં ખેતરમાં ભુંડ ભગાડવા કાકાએ કરેલ ગોળીબારમાં ભત્રીજાનું મોત

રાત્રિના અંધકારમાં પાટડી પંથકમાં બનેલી કરૂણ ઘટના : કૌટુંબીક યુવાન યોગરાજસિંહ ઝાલા ગોળી વાગતા જ ઢળી પડેલ : ઝેણુભાની અટક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૫: ખેડૂતો જંગલી ભૂંડ ભગાડવા માટે જાત જાતના નુસખા અપનાવતા હોય છે તેવામાં ગત રાત્રિના અંધકારમાં પાટડી તાલુકામાં બનેલી કરૂણ ઘટનામાં ખેતરમાં કાકાએ ભૂંડ ભગાડવા ફાયરિંગ કર્યુ અને ગોળી ભત્રીજાને વાગતા મોત થયેલ. ગોળીબારમાં કાકાની ગોળીએ કૌટુમ્બિક ભત્રીજાનું દુઃખદ મોત થયું છે. આ કરૂણ ઘટના ભલભલા લોકોના રૂવાંડા ઊભી કરી નાખે એવી છે.

બનાવની વિગતો એવી છે કે પાટડીના ઝીંઝુવાડામાં ઝેણુભા ઝાલાએ ખેતરનું ટોયાપણું રાખ્યું હતું. તેમની સાથે ખેતરમાં કૌટુમ્બિક ભત્રીજો યોગીરાજસિંહ ઝાલા પણ કામ કરતો હતો. દરમિયાન ગત રાત્રિના કાકો-દીકરો ભૂંડ આવતા તેની પાછળ દોડ્યા હતા.

દરમિયાન ઝેણુભા લાયસન્સ વાળી બંદૂક લઈને દોડ્યા હતા. જોકે, તેમણે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તેમની છોડેલી ગોળી સીધી ભત્રીજાને વાગશે.

દરમિયાન કાકા ઝેણુભાએ ફાયરિંગ કર્યુ અને ગોળી સીધી યોગરાજસિંહના બરડામાં વાગી હતી. જોકે, આ ગોળી વાગતા તેઓ ઢળી પડ્યા હતા અને તાત્કાલિક સારવારની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, ગોળીનો માર એટલો ગંભીર હતો કે લોહિલુહાણ યોગરાજસિંહને જોઈતી સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું.

ઘટના બાદ પાટડી સરકારી દવાખાનામાં મૃતક યોગરાજસિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પાટડીની ઝુંઝુવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને ૬૫ વર્ષના ઝેણુભા કુબેરસિંહ ઝાલાની અટક કરી છે. જોકે, આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

(11:21 am IST)