Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ચોટીલા હાઇ-વે ચોકડીથી ડુંગર પગથિયા સુધીનો રસ્તો બનાવવા માંગ : ચામુંડા માતાજીને કોંગ્રેસનું આવેદન

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૫:  રાજયના યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર જવાના રસ્તાનાં પ્રશ્રને લઇ ને સોમવારે સાંજે શહેર કોંગ્રેસે માતાજીના ચરણોમાં આવેદન પાઠવી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરેલ હોવાનું જણાવેલ છે.

ચોટીલા હાઇવે ચોકડીથી ડુંગર પગથિયા સુધીનો રસ્તો તદ્દન કંડમ થઈ ચૂકયો છે. અહીં રસ્તો બનાવ્યાને વર્ષો થયા છે. લાખો યાત્રીકો અહીંયા દર્શને આવે છે. હજારો વાહનોની અહીંયા અવર જવર રહે છે. અનેક પદયાત્રીઓ ઉબડ ખાબડ રસ્તા ઉપર ખુલ્લા પગે પસાર થાય છે. લોકોની ધાર્મિક લાગણી ને પણ ઠેસ પહોંચે છે.તેવી રસ્તાની હાલત છે.

અવાર નવાર રજૂઆતો કરવા છતા અહીયા નો રસ્તો બનાવવા પ્રત્યે દુર્લક્ષતા સેવાતી રહી હોવાનાં આક્ષેપ સાથે સોમવારે શહેર કોંગ્રેસે પગથીયાં સુધી રસ્તો બનાવવાની માંગ કરતા બેનર સાથે પદયાત્રા કરી તળેટી મંદિર ખાતે માતાજીના ચરણોમાં આવેદન અર્પણ કરેલ છે.

આ અંગે આગેવાનોએ જણાવેલ છે કે અમો તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે કોઇ પરીણામ નહી આવતા માતાજીનાં ચરણોમાં આવેદન આપી સરકારને ઢંઢોળવા નો કાર્યક્રમ કરેલ છે.

આ રસ્તાની સમસ્યા વર્ષોથી છે. નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ છે. આવા સમયે સ્થાનિક રાજકારણ શરૂ થઈ ગયેલ હોય તેવો માહોલ શરૂ થઈ ગયેલ છે.

(11:22 am IST)