Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભણાવડ પંથકમાં સાપના મેળાવડા...!!

ખંભાળીયા તા. પ :.. ભાણવડ પંથકમાં સાપના મેળાવડા થતાં હોય તેમ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા ર૦ર૦ ની સાલમાં એક વર્ષમાં ૯ર૪ સાપોના રેસ્કયુ કરીને વિશેષ રૂપે માનવતાવાદી પ્રવૃતિઓ કરી છે.આ પકડીને રેસ્કયુ કરીને બરડા ડુંગરની ગોદમાં ફરી સ્વતંત્ર પણે વિહરવા માટે છોડનારા સાપોમાં સૌથી વધુ કોબ્રા કાળોતરા સાપ એક વર્ષમાં ૪ર૪ ના સફળ રેસ્કયુ કરાયા હતા જયારે અજગર ૬૧ ના રેસ્કયુ કરાયા હતાં.આ ઉપરાંત કાળોતરો સાપ,  રૂપ સુંદરી, પીત-પરીત સાપ, ઇંડા ખાઉ સાપ, શ્યામ શીટ સાપ, કુકરી સાપ, ડેંડુ સાપ, વરુદંતી, ઘઉલો, ભીડીડીયું, બિલ્લી સાપ, બંખોઇ, ધામણ ચિતલ,  ફુટસા જેવા સાપના પણ સફળ રેસ્કયુ કરાયા હતાં. અત્યંત દુર્લભ ગણાતા  બે મુખવાળા બંખોઇ સાપ, જેની કિંમત લાખ દોઢ લાખ થાય છે તેના પણ પાંચ રેસ્કયુ કરાયા હતાં.

લોકોમાં જાગૃતતા આવી....!!

એનિમલ લવર્સ ગ્રુપના એ. આર. ભટ્ટ તથા સમીરભાઇ, વિસાવાડીયા, ઓડેદરા વિ. એ જહેમત ઉઠાવી હતી. તથા ગ્રુપના પ્રયાસોથી લોકોમાં અંધશ્રધ્ધા દૂર થતાં જાગૃતતા આવી છે જેથી લોકો હવે મારવાનું બંધ કર્યુ છે તો સાપ કરડવાથી મોતનું પ્રમાણ પણ ઘટયું છે.ખંભાળીયામાં રાકેશ રાઠોડ, સુભાષ નકુમ વિ. દ્વારા સફળ રેસ્કયુ સાપના કરાઇ રહ્યા છે ત્યારે લાલપરડા વિસ્તારમાં એક આહિર યુવાને બે સાપના સફળ રેસ્કયુ કરતા લોકો જોવા ઉમટયા હતાં.કમલેના પિંડારિયા નામના યુવાને કોબ્રા તથા રસેલ્સ વાઇપટ જે બન્ને ઝેરી સાપ કહેવાય છે. તે વાડી વિસ્તારમાં નીકળતા તે બન્ને ના સફળ રેસ્કયુ કરીને તેમને સલામત સ્થળે પહોંચાડયા હતાં.

(11:27 am IST)