Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જસદણમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે પાલિકાને લાખોનું નુકસાન પહોંચાડયાની રાવ

પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને કોન્ટ્રાકટર પાસેથી ખર્ચ વસુલવા ચીફ ઓફિસરને લેખિતમાં માંગ કરી : કોન્ટ્રાકટરે ગટર નાખવા માટે રોડ-રસ્તા તોડી નાખી અને પીવાના પાણીની પાઈપલાઈનો તોડી નાખી પાલિકાને લાખોનું નુકસાન પહોંચાડ્યું હતું

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૫ : જસદણમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બીજા તબક્કાની ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામના કોન્ટ્રાકટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી પોતાના ઘરની ધોરાજી ચલાવી મનફાવે તેવી કામગીરી કરવામાં આવતી હોવાથી નગરજનોમાં ભારે રોષ ઉઠી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ જસદણની જીલેશ્વરપાર્ક સોસાયટીમાં પાણી પુરવઠા બોર્ડની ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હોવાથી કોન્ટ્રાકટર દ્વારા રાતોરાત ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવાની લ્હાયમાં પેવરબ્લોકને સલામત રીતે કાઢવાના બદલે બ્લોક ઉપર જેસીબી ફેરવી દઈ નગરપાલિકાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહી હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે અધૂરામાં પૂરું જસદણની આનંદધામ સોસાયટીમાં પણ આ કામના કોન્ટ્રાકટર દ્વારા જ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કોન્ટ્રાકટરે આ કામના ટેન્ડરને નેવે મૂકી પોતાના નીતિ નિયમો મુજબની કામગીરી કરતા રહીશોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. આ અંગે રહીશો દ્વારા આ કામના કોન્ટ્રાકટરે ગટરની કામગીરી લોટ પાણીને લાકડા જેવી કરી હોવાના આક્ષેપો કરતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં આ કામના કોન્ટ્રાકટરે સિમેન્ટ, રેતી, કપસી સહિત હલકી ગુણવત્ત્।ાનું મટીરીયલ્સ વાપર્યું હોવાનું અને ગટરનું લેવલીંગ લીધા વગર જ ગટર બેસાડી દીધી હોવાનું જણાવતા તંત્રની બેદરકારી સામે રહીશોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. શું આ કામગીરીની ચકાસણી નહી કરવાનો પાણી પુરવઠા બોર્ડે કોન્ટ્રાકટરને પીળો પરવાનો આપી દીધો છે કે પછી પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓ આ કામના કોન્ટ્રાકટર્સની કામગીરીની ચકાસણી કરતા ડરી રહ્યા છે તેવા અનેક સવાલો રહીશોમાં ઉઠી રહ્યા છે. જો આવી જ કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવશે તો ભૂગર્ભ ગટર માત્ર શોભાના ગાંઠીયા સમાન જમીનમાં દટાઈ રહેશે અને લોકો તેનો સદુપયોગ પણ નહી કરી શકે તેવા ઘાટ હાલ જોવા મળી રહ્યા છે. આ તમામ સમસ્યા અંગે રહીશોએ વોર્ડ નં. ૨ ના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેનને રજૂઆત કરતા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને કોન્ટ્રાકટર પાસેથી નગરપાલિકાને થયેલા નુકસાનનો તમામ ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલવા ચીફ ઓફિસરને લેખિતમાં માંગ કરી છે.

જસદણના વોર્ડ નં.૨ ના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરની બેદરકારી સામે લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.૨ માં આવેલ આનંદધામ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે આડેધડ રોડ-રસ્તાનું ખોદકામ કરી પીવાના પાણીની પાઈપલાઈન અને નળ કનેકશનોના જોડાણ તેમજ રોડ-રસ્તાને તોડી નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડેલ છે. જયારે જીલેશ્વરપાર્ક સોસાયટીમાં બ્લોક ઉખાડીને ભૂગર્ભ ગટર નાખવાના બદલે કોન્ટ્રાકટરે બ્લોક પર જેસીબી ફેરવી દઈ નગરપાલિકાને નુકસાન પહોંચાડેલ છે. જેથી જસદણ નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન કોન્ટ્રાકટર પાસે નવા રોડ-રસ્તા બનાવવાનો ખર્ચ વસુલવામાં આવે અને પીવાના પાણીની પાઈપલાઈન નાખવાનો પણ ખર્ચ વસુલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હાલ આનંદધામ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે. તેમાં કોન્ટ્રાકટર દ્વારા મટીરીયલ્સ સાવ હલકી ગુણવત્ત્।ાનું વાપરવામાં આવી રહ્યું છે. જે શેરીમાં બ્લોક રોડ હતો તે ઉખાડીને ભૂગર્ભ ગટરનું કામ કરવાનું હોય છે. પણ કોન્ટ્રાકટરે સીધું જેસીબી ફેરવી પાલિકાને લાખોનું નુકસાન પહોંચાડ્યું છે. અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈન અને નળ કનેકશનો પણ તોડી નાખ્યા છે. આમ પાલિકાને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે મેં ચીફ ઓફિસર અને પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં ફરિયાદ કરી છે કે આ તમામ ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલ કરવો. જો કોન્ટ્રાકટર સામે સ્થાનિક કક્ષાએથી કોઈ પગલા લેવામાં નહી આવે તો હું ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશ.

(11:29 am IST)