Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોરોના વેકસીનની સૌરાષ્ટ્ર-કચ્છમાં ડ્રાય રન

આરોગ્ય અધિકારીઓની આગેવાનીમાં જુદા-જુદા વિભાગોની ટીમો દ્વારા કામગીરી : રસીકરણના ઇન્જેકશન સિવાય તમામ કામગીરીનું ટ્રાયલ

રાજકોટ,તા. ૫: કોરોના મહામારી સામે હવે વેકસીન માટે તંત્ર સજ્જ થઇ ગયું છે અને આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય અધિકારીઓની આગેવાની જુદા-જુદા વિભાગોની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં રસીકરણના ઇન્જેકશન સિવાય તમામ કામગીરીનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમેરલી જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા આગામી કોરોના વેકસીનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધેલ છે. આજે જિલ્લાનાં કુલ ૫ સ્થળોએ ડ્રાય રનનું આયોજન કરાયું હતું. આ ડ્રાય રન સમયે મેડીકલ ઓફીસરશ્રી, ફાર્માસીસ્ટ, સ્ટાફનર્સ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ વિગેરે વિભાગો તમામ સાધન સામગ્રી સાથે હાજર રહેશે. કોરોના વેકસીન લેનાર દરેક લાભાર્થીની કોવિન સોફટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી ઉપર વરિષ્ઠ અધિકારીશ્રીઓએ સિધ્ધી દેખરેખ રાખી હતી.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ : જૂનાગઢ શહેર અને કેશોદ તાલુકાના કુલ ૧૦ સ્થળો પર આરોગ્ય વિભાગના ૨૫૦ હેલ્થ વર્કરોને કોરોનાની વેકસીન આપવા માટેની ટ્રાયલ યોજાશે. જેમાં એક સ્થળ પર ૨૫ લાભાર્થીઓને ૫ કર્મચારી વેકસીન આપવી અને ડેટા ઉમેરવા સહિતની કામગીરી સાથે લાભાર્થીનું નિરિક્ષણ કરશે.

જૂનાગઢ મેડિકલ કોલેજ, ગણેશનગર ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટર, અને એક ખાનગી હોસ્પિટલ તેમજ કેશોદના કેવદ્રા પીએચસી, સરકારી દવાખાનું કેશોદ, સોંદરડા સબ સેન્ટર, એક ખાનગી હોસ્પિટલ અને ધારેશ્વર ખાતે સ્કુલમાં આરોગ્ય વિભાગના ૨૫૦ હેલ્થ વર્કરોને વેકસીનેશન આપવા ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ મિટીંગમાં જણાવાયું હતું કે, સવારે ૮:૩૦ વાગ્યે કોરોનાની વેકસીનેશન માટેની ટ્રાયલ શરૂ કરાશે. આ વેકસીનેશન માટે ૨૫૦ હેલ્થ વર્કરોના ડેટા તૈયાર કરાયા છે. કોરોનાની વેકસીનેશનના લાભાર્થી પોતાની આઇડી લઇ સ્થળ પર વેકસીનેશન માટે જશે. ત્યા તેમને વેકસીનેશન આપવા માટે આરોગ્ય વિભાગના ૫ કર્મચારીઓ તૈયાર હશે. જેમાં સેનીટાઇઝેશન, વેરીફિકેશન, વેકસીનેશન અને વેકસીનેશન બાદ લાભાર્થીનું નિરિક્ષણ કરવામાં આવશે.

જો કોઇ લાભાર્થી વેકસીનેશનની ના પાડે તો તેમના ડેટા પણ ઉમેરવામાં આવશે. પણ તેમને વેકસીન આપવામાં આવશે નહીં. આ ટ્રાયલમાં વેકસીનેશનના ઇન્જેકશન સિવાયની તમામ કામગીરી કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત જૂનાગઢના આરોગ્ય સત્ત્।ાવાળાઓએ જણાવ્યું હતું.

(12:45 pm IST)