Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગુજરાત કોળી માછીમાર મહામંડળની રચનાઃ પ્રમુખપદે જયંતિભાઈ સોલંકી

વેરાવળના ભીડિયા બંદરે જાફરાબાદથી પોરબંદર સુધીના ૧૩ બંદરના આગેવાનો દ્વારા

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણઃ વેરાવળની બાજુમાં આવેલ ભીડીયા બંદર ખાતે શ્રી ભીડીયા સંયુકત કોળી સમાજનાં હોલમાં ભીડીયા કોળી સમાજનાં પટેલ રમેશભાઈ બારેયાનાં અધ્યક્ષ સ્થાને જાફરાબાદ થી પોરબંદર સુધીના બંદરોનાં પટેલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ મળેલ હતી. આ મીટીંગમાં સર્વાનુમતે શ્રી ગુજરાત કોળી માચ્છીમાર સમાજ મહામંડળની રચના કરવામાં આવેલ હતી અને આ મહામંડળનાં પ્રમુખ પદે જયંતિભાઈ વરજાંગભાઈ સોલંકી (ભીડીયા પ્લોટ બંદર)ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

આ મહામંડળમાં ભીડીયા બંદર, જાફરાબાદ, મુળદ્વારકા, કોટડા બંદર, માઢવાડ બંદર, હિરોકોટા બંદર સુત્રાપાડા બંદર, ધામતેજ બંદર, નવા બંદર સહિત ૧૩ બંદરનાં પટેલો અને આગેવાનોએ સાથે મળીને આ મહામંડળની રચના કરવામાં આવેલ છે.

શ્રી ગુજરાત કોળી માછીમાર સમાજ મહામંડળની રચના કરવાનો મુખ્ય હેતુ નાના- નાના બંદરોમાં અનેક મુશ્કેલીઓ આવેલ છે. તેમજ દિવસેને દિવસે માછીમારોની સ્થિતિ ખરાબ થતી જાય છે અને રોજગાર ધંધાઓ પડી ભાંગેલા છે. તેથી બંદરોની સમસ્યાઓ સ્થાનિક લેવલે તેમજ ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને પરિણામ લાવવાની કોશીશ કરવામાં આવશે.

આ મહામંડળનાં પ્રમુખ પદે જયંતિભાઈ સોલંકી (ભીડિયા બંદર), ઉપપ્રમુખ વશરામભાઈ સોલંકી (ભીડિયા બંદર), ઉપપ્રમુખ હમીરભાઈ સોલંકી (જાફરાબાદ બંદર), ઉપપ્રમુખ નિલેષભાઈ બામણીયા (રાજપરા બંદર), મંત્રી કિશોરભાઈ સીકોતરીયા (મુળ દ્વારકા બંદર), સહમંત્રી પ્રવિણભાઈ બારૈયા (ભીડિયા બંદર), તેમજ કારોબારીમાં બાબુભાઈ બારૈયા (કોટડા બંદર), લખમણભાઈ સોલંકી (માઢવાડ બંદર), ધનજીભાઈ વૈશ્ય (ભીડિયા બંદર), લક્ષ્મીકાંત સોલંકી (ભીડિયા બંદર), રતિલાલ બામણીયા (હિરાકોટ બંદર), જયંતિભાઈ સીકાતરીયા (સુત્રાપાડા બંદર), કાનજીભાઈ સીકોતરીયા (સુત્રાપાડા બંદર), પાલભાઈ પરમાર (જાફરાબાદ બંદર), કમલેશભાઈ બારૈયા (જાફરાબાદ બંદર), ભીખાભાઈ રાઠોડ (માઢવાડ બંદર), ધનસુખભાઈ બારૈયા (કોટડા બંદર), અમરીકભાઈ જેઠવા (ભીડીયા બંદર), લખમણભાઈ બરૈયા (મુળ દ્વારકા બંદર), મનસુખભાઈ સોલંકી (નવા બંદર), યોગેશભાઈ બામણીયા (ધામખેજ બંદર), દેવજીભાઈ સોલંકી (નવા બંદર) સહિતની તમામ ૧૩ બંદરોમાંથી હોદેદારો અને કારોબારીની રચના કરવામાં આવેલ છે.

આ તકે ગુજરાત કોળી માછીમાર સમાજ મહામંડળના પ્રમુખ જયંતિભાઈ સોલંકીએ જણાવેલ કે આ મહામંડળની ગુજરાતમાં પ્રથમ વખત રચના કરવામાં આવેલ છે અને આ મહામંડળનાં માધ્યમથી સમાજમાં જે સમસ્યાઓ છે, જેથી બંદરનાં રોડ રસ્તાઓ, બંદરની સુવિધાઓ સહિત જે કોઈપણ પ્રશ્નો હશે તે મહામંડળનાં માધ્યમથી સ્થાનિક રીતે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને પરીણામ લાવવાની કોશિષ કરવામાં આવશે.

(3:04 pm IST)