Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગર ભાજપના 'બાર' કોર્પોરેટરો ચૂંટણી લડવાથી થઇ ગયા 'બહાર'

કોર્પોરેશનની ચૂંટણીમાં પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને ટિકીટ મળીઃ ત્રણ ટર્મ પુરી થઇ જતા અનેક હોદ્દેદારો ટિકિટથી વંચિત રહ્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ૫ : જામનગર કોર્પોરેશનની યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા ૬૪ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાજપ દ્વારા જાહેર કરેલ નિયમ મુજબ ભારતીય જનતા પાર્ટીના ૧૨ કોર્પોરેટરોને ટિકિટ આપવામાં આવી નથી જેથી ભાજપના ૧૨ કોર્પોરેટરો ચૂંટણી લડવાથી બહાર નીકળી ગયા છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાંડ દ્વારા સ્થાનિક ચૂંટણી અંગેના બનાવવામાં આવેલા નિયમ અનુસાર ૬૦ વર્ષથી ઉપરના લોકો ને ટિકિટ ન આપવી, ત્રણ વખત જીતીને આવેલા ઉમેદવારોને ટિકિટ ન આપવી, મંત્રી તથા નેતાઓના સગા વ્હાલા અને ટિકિટના આપી તેવું જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ જામનગર શહેરમાંથી કરસન કરમુર કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર છે અને ૩ ટર્મ પૂર્ણ કરી ચૂકયા છે, મેરામણભાઈ ભાટુ જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે અને ત્રણ ટર્મ પૂર્ણ કરી ચૂકયા છે.

જયારે પ્રતિભાબેન કનખરા જે પૂર્વ મેયર છે તેમને પણ ટિકિટ થી વંચિત રાખવામાં આવ્યા છે. દિનેશભાઈ ગજરા જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે તેઓને ત્રણ ટર્મ પૂર્ણ થઇ જતી હોવાથી પડતા મૂકવામાં આવ્યા છે. કમલા સિંગ રાજપૂત જેઓ પણ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે તેને પણ ૩ ટર્મ પૂર્ણ થઈ જતાં ટિકિટ આપવામાં આવી નથી. દિનેશભાઈ પટેલ પૂર્વ મેયર ને પડતા મૂકવામાં આવ્યા છે. મનીષભાઈ કનખરા કે જેઓ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકયા છે તેઓની ત્રણ ટર્મ પૂર્ણ થઇ જતાં તેઓને ટિકિટ થી વંચિત રાખવામાં આવ્યા છે. હસમુખભાઈ જેઠવા કે જેવો પૂર્વ મેયર છે તેમને પણ ટિકિટ થી વંચિત રાખવામાં આવ્યા છે. પ્રવીણભાઈ માડમ કે જેઓ વર્ષોથી સક્રિય રીતે કાર્યરત રહ્યા છે અને તેઓની પણ ત્રણ ટર્મ પૂર્ણ થઈ જતા તેઓની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પત્ની પ્રફુલ્લા બા જાડેજા ને મંત્રીના સગા હોવા ને કારણે, ઉષાબેન ટંકારિયાને ઉંમરને કારણે અને જશરાજ પરમાર ને ૩ ટર્મ પૂર્ણ થઈ જતાં તેઓને ટિકિટ આપવામાં આવી નથી.

જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા ના પુત્ર પાર્થ હસમુખભાઈ જેઠવાને ટિકિટ મળી છે.

(11:19 am IST)