Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વિરપુરના પશુ દવાખાનામાં ડોકટરની નિમણુંક કરવા પશુપાલકોની માંગણી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા.પ : યાત્રાધામ વિરપુરના પશુ દવાખાનામાં પશુ ડોકટરની નિમણુંક કરવા પશુપાલકો માંગણી કરી રહ્યા છે.

વિરપુર જલારામ ગામે પશુ સારવાર માટે રાજકોટ જિલ્લા પંચાયત સંચાલીત સરકારી પશુ દવાખાનું આવેલું છે પરંતુ આ પશુ દવાખાનામાં છેલ્લા એક વર્ષ થયા કોઈ પશુ ડોકટર જ નથી ! છેલ્લા એક વર્ષ થયાં આ પશુ દવાખાનું એક પટાવાળો છે,યાત્રાધામ વિરપુરમાં મોટાભાગના લોકો પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે વિરપુરના ચારથી પાંચ હજાર જેટલા પશુપાલકો તેમજ આજુબાજુના ૧૦ થી ૧૨ જેટલા ગામોના પશુપાલકો પોતાના બીમાર પશુઓની સારવાર કરાવવા માટે વિરપુર પશુ દવાખાને આવતા હોય છે.

વિરપુર પંથકના ખેડૂતોને તેમજ પશુપાલકોને ન છુટકે પોતાના બીમાર પશુઓને ખાનગી પશુ ડોકટર પાસે સારવાર કરાવવાની ફરજ પડી રહી છે, તેમજ વિરપુરના આરટીઆઇ એકિટવિસ્ટ અને જાગૃત યુવાને આરટીઆઇ કાયદા હેઠળ વિરપુર પશુ દવાખાનાની માહિતી માંગતા તેમાં ખુલાસા થયા હતા જેમકે ગુજરાત સરકારની એકીકૃત ઘાસચારા વિકાસ યોજનામાં વિરપુરના એક પશુપાલકને એક જ વર્ષમાં એકથી વધુ વખત એટલે કે બબેવાર આ યોજનાનો લાભ મળેલ ત્યારે વાહલા દવલાની નીતિ અપનાવાય હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જયારે આરટીઆઇ માહિતી હેઠળમાં બીજો એક ખુલાસો એ પણ થયો છે કે ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં પશુ સારવાર કેમ્પ,દૂધ હરીફાઈ જેવી અનેક સરકારની યોજનાઓની વિરપુર પશુ દવાખાને અમલ થઈ જ નથી.

 વિરપુર ગામના સરપંચ નારણભાઇ ઠુંગાએ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે કે વિરપુરમાં આશરે ચાર થી પાંચ હજાર જેટલા પશુપાલકો વસવાટ કરે છે અને વિરપુર પંથકના ૧૦ થી ૧૨ જેટલા ગામડાઓના પશુપાલકો પણ વિરપુર પશુદવાખાને પશુ ડોકટર ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે વિરપુર પશુ દવાખાને પશુ ડોકટરની નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરી છે.

(11:23 am IST)