Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કેશોદ પોલીસનો ગૌપ્રેમ

ઉનાળાના તડકામાં ગાયોને છાયો આપવા કેશોદ ડીવાયએસપી કચેરી પાસે શેડ બનાવાશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. પ :.. શિયાળો વિદાય લેવા માટે અને ઉનાળો આવવા માટે લગભગ આંગણે ઉભા છે. ત્યારે સ્થાનિક કેશોદથી આશરે ૩ કિલો મીટર દુર આવેલી કેશોદ ડીવાયએસપી ઓફીસની કમ્પાઉન્ડ વોલ બહાર રખડતી ગાયોને ઉનાળામાં તડકા સામે રક્ષણ આપવા માટે શેડ બનાવવમાં આવનાર છે.

સ્થાનિક ડીવાયએસપી શ્રી જે. બી.ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી ઓફીસ નજીકના વિસ્તારમાં રખડતા બિનવારસી ગાય-આખલા, નાના વાછરડા વિગેરે પશુઓને અમો દર ત્રીજા દિવસે આશરે ૧રપ મણ જેટલુ લીલુ ઘાસ નાખીએ છીએ આ ઘાસનો બગાડ ન થાય અને દાતાઓ તરફથી મળેલા આ દાનનો પુરેપુરો ઉપયોગ થાય એ માટે જસદણથી ખાસ ગ્રાસ કટર મંગાવવામાં આવ્યું છે. અને તેમાં આ લીલા-સુકા ઘાસનું વ્યવસ્થિત કટીંગ કરી આશરે ૧પ૦ જેટલા જયારે  બિનવારસી ગાય વાછરડા, આખલાને આપવામં આવે છે. અહીં પણ ઘાસનો બગાડ ન થાય એ માટે લોખંડની ગમાણો રાખવામાં આવી છે. જયારે   આ બધા બિનવારસી પશુઓ માટે પાણીની પણ કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે.  અને રાત્રી દરમિયાન પણ આ જગ્યાએ ખાસ લાઇટની વ્યવસ્થા કરવાના છીએ જેથી કોઇ તસ્કરો અહીં આશ્રય લેતા આ નિર્દોષ પશુઓની તસ્કરી કરી ના જ શકે.

ડીવાયએસપી એ ઉપરોકત માહિતી આપતા વધુમાં ઉમેર્યુ હતું કે અમારી આ ઓફીસનું બીલ્ડીંગ તાજેતરમાં નવુ જ બનાવવામાં આવેલ છે. અને આ ઓફીસ સમગ્ર ગુજરાતની અન્ય સરકારી ઓફીસોમાટે પ્રેરણારૂપ બને તેવી અફલાતુન બનાવવાનું મારે ભાગે આવેલું છે. ઓફીસના ગ્રાઉન્ડમાં અલગ-અલગ જાતના આશરે ૧રપ વૃક્ષો ચોમાસા દરમિયાન વાવેલા છે. અને બહારના ભાગમાં આશરે પ૦ જેટલા વૃક્ષો વાવેલા છે. અને તેની વ્યવસ્થિત રીતે માવજત કરાત આ તમામ વૃક્ષો સારામાં સારી સ્થિતિમાં ઉગી ગયા છે. આ વૃક્ષોને છ માસ થયા છે.  અને હજુ છ માસ થશે એટલે મોટા થઇ જતા આ ઓફીસનું વાતાવરણ કોઇ સુંદર બગીચા જેવુ થઇ જશે. ઓફીસનું મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યાં વિવિધ પ્રકારના ફુલના રોપ વાવેલા છે. અને હજુ ગુલાબના સારામાં સારી જાતના રોપ મહારાષ્ટ્રથી મંગાવ્યા છે. તેના વાવેતરનું પણ આયોજન છે.

એક પોલીસ અધિકારી તરીકે તમારી ફરજ ઉપરાંત આટલુ કામ અન્ય કોઇ અધિકારી કરતા નથી ત્યારે તમો કેમ કરો છો ? તેવુ પુછતા તેમણે કહેલુ કે આ માર શોખનો વિષય છે અને તેમાં મારી ઓફીસનો સ્ટાફ મને પુરેપુરો સહકાર આપે છે. અમો બધા અમારી ઓફીસ કામગીરી ઉપરાંત દરરોજ આશરે એક કલાક સેવાશ્રમ કરીએ છીએ. જેના કારણે આ બધુ સહેલાઇથી થઇ શકે છે. અને અમો બધા તો સરકારી કર્મચારીઓ છીએ અમારી બદલી થશે. એટલે અહીંની બીજી જગ્યાએ જતા રહીશું. પરંતુ અમોએ સંયુકત ભાવનાથી અત્યારે જે કામ કર્યુ છે અને કરી રહ્યા છીએ તે તો આજથી પ૦ વરસે પણ બોલવાનુ જ છે. અમારા ગયા પછી આવનારા અન્ય કર્મચારીઓ અને સ્થાનિક કેશોદ તાલુકાની જનતા અમારી આ કામગીરીને જરૂર યાદ કરી નવી પ્રેરણા લેશે અને આવુ બીજુ કોઇ સારૂ કામ કરશે. અમારી માત્રને માત્ર આટલી જ અપેક્ષા છે.

(11:29 am IST)