Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સમાજ સંગઠન મુદ્દે નરેશભાઇ પટેલની વાતને ખોટુ સ્વરૂપ ન આપવું એ પાટીદાર સમાજના હિતમાં : ભીખાભાઇ બાભણીયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૫ : ઉમીયાધામ ખાતે દર્શને ગયેલા નરેશભાઇ પટેલે પાટીદાર સમાજના સંગઠન બાબતે કરેલ વાતને ખોટું સ્વરૂપ આપીને બંને સમાજના લોકોએ ગેરસમજણ ઉભી કરવામાં ન આવે એ પાટીદાર સમાજના હિતમાં છે. તેમ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

નરેશભાઇના સરપંચથી સાંસદ સુધી પાટીદાર સમાજના લોકો હોવા જોઇએ એ બાબતે કહેવાનો ભાવાર્થ એવો છે કે પાટીદાર સમાજની વ્યકિતઓ ઉદ્યોગ કે અન્ય વ્યવસાયમાં રોકાવાની સાથોસાથ રાજકારણમાં વધારે રસ લેતા થાય એ જરૂરી છે. અન્ય જ્ઞાતિના સરપંચ કે સાંસદ ન હોવા જોઇએ એવી વાત જ કરેલ નથી. તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવીને પાટીદાર સમાજના દિકરા - દિકરી લાયકાત મુજબ કલાર્કથી કલેકટર અન્ય પોસ્ટમાં જવા માટે પ્રયાસ કરે એવી લાગણી પ્રદર્શિત કરેલ છે. સરકારી નોકરીઓમાં સામેલ થવાની વાત કરી છે.

અન્ય સમાજની અવગણના કે જ્ઞાતિવાદ કરવાની કોઇ વાત નથી. દરેક સમાજ પ્રગતી કરે અને આગળ આવે એવી સમજદારી કાયમ માટે પાટીદાર સમાજે રાખી છે. જેથી ખોટા અર્થઘટન કરીને વાતનું વતેસર થાય અને એક બીજા સમાજ પ્રત્યે અણગમો થાય તેવું વાતાવરણ ઉભું ન થાય તે માટે વિવેક દાખવી આક્ષેપ કે પ્રતિઆક્ષેપથી દૂર રહેવાની જરૂર છે તેમ અંતમાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(11:36 am IST)