Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાવનગર નજીકના થળસર ગામે નજીવી બાબતે થયેલ હત્યા કેસના ચાર આરોપીઓને અદાલતે આજીવન કેદની સખત સજા ફટકારી

ભાવનગર, તા. ૫ :. આજથી ચાર વર્ષ પૂર્વે ભાવનગરના વરતેજ ગામ નજીકના થળસર ગામે નજીવી બાબતે મારા-મારી સર્જાતા એક આધેડનું મોત નિપજેલ. આ બનાવમાં ચાર શખ્સો સામે હત્યા સહિતનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેસન્સ જજ ઝેડ.વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઈ વોરાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ ચારેય આરોપીઓ સામે હત્યા સહિતનો ગુન્હો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી હતી.

આ કેસની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરીયાદી વનરાજસિંહ ફતેસિંહ ગોહિલનાઓ તા. ૨૪-૧-૧૭ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે તેઓ બધા ઘરે હતા ત્યારે તેમના દિકરા મુકેશના મોબાઈલ ફોનમાં પ્રદિપસિંહ વનરાજસિંહનો ફોન આવેલ અને વાત કરેલ કે વાડીના શેઢા કોઈએ સળગાવેલ છે, તે જોવા માટે ગયેલા અને તેઓ તેની પાછળ જતા તેમની વાડીના શેઢે નાથુભા કસુભા કચરો સળગાવતા હોય અને તેને રાતના વખતે શું કામ સળગાવ્યું ? તમે દિવસે સળગાવ્યું હોત તો ? તેમ કહેતા આ નાથુભા ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને તેમને બોલાચાલી થયેલ, પછી તેમનો દિકરો મુકેશ તથા કમલેશસિંહ ગામમાં જતા રહેલ અને ફરીયાદી તથા તેમના ભાઈઓ નીરૂભા તથા હનુભા તથા તેમના પત્નિ બાઈરાજબા એમ બધા ઢાળીયામાં બેઠા હતા ત્યારે તે વખતે નાથુભા તેના હાથમાં લાકડી તથા તેનો દિકરો અરવિંદસિંહ હાથમાં લોખંડની પાઈપ તથા પ્રદિપસિંહ બાબુભા તેના હાથમાં લોખંડનો પાઈપ તથા બાબુભા કસુભા પણ હાથમાં લોખંડનો પાઈપ લઈ આવી તેઓને ગાળો આપી, નાથુભાએ ફરીયાદીને લાકડીનો એક ઘા જમણા ખભા ઉપર મારતા અને અરવિંદસિંહે પાઈપનો ઘા તેમના ડાબા હાથે મારતા તેઓ નીચે પડી ગયેલ અને તેમના ભાઈ હનુભાને પ્રદિપસિંહે લોખંડના પાઈપનો એક ઘા માથાના ભાગે મારતા તે પડી ગયેલ અને તેમના ભાઈ નીરૂભાને બાબુભા કસુભાએ લોખંડનોે એક પાઈપનો ઘા ગળાના ભાગે મારેલ અને આ ચારેય આરોપીઓ તેઓને આડેધડ માર મારવા લાગેલ અને દેકારો થતા પ્રદિપસિંહ વનરાજસિંહ તથા તેમનો દિકરો મુકેશ અને કમલેશસિંહ આવી જતા આરોપીઓ જતા રહેલ અને ફરીયાદીના ભાઈ હનુભાને માથામાંથી લોહી નિકળતુ હોય ૧૦૮ને ફોન કરતા આવી જતા તેઓ ત્રણેયને ભાવનગરના સરકારી દવાખાનામાં લાવેલ અને જ્યાં આગળ સારવાર દરમ્યાન હનુભા ફતેસિંહ ગોહિલનું મૃત્યુ થયેલ.

આ રીતે આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવ અંગે વનરાજસિંહ ફતેસિંહ ગોહિલે જે તે સમયે વરતેજ પો. સ્ટે.માં ઉપરોકત ચાર આરોપીઓ (૧) નાથુભા કસુભા ગોહિલ (ઉ.વ. ૫૦) (૨) અરવિંદસિંહ નાથુભા ગોહિલ (ઉ.વ. ૨૨) (૩) પ્રદિપસિંહ બાબુભા ગોહિલ (ઉ.વ.૨૧) (૪) બાબુભા કસુભા ગોહિલ ( ઉ.વ. ૬૦) તમામ રહે. થળસર, નિશાળ સામે, તા.જી. ભાવનગર સહિતનાઓ સામે વરતેજ પો. સ્ટે.માં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ શ્રી ઝેડ.વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ભરતભાઈ વોરાની દલીલો, લેખીત પુરાવા (જુબાની) - ૧૮, દસ્તાવેજી પુરાવા - ૩૯ વિગેરે ધ્યાને લઈ આ કામના આરોપી (૧) નાથુભા કસુભા ગોહિલ (૨) અરવિંદસિંહ નાથુભા ગોહિલ (૩) પ્રદિપસિંહ બાબુભા ગોહિલ (૪) બાબુભા કસુભા ગોહિલ સહિતના ચારેય આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦૨ મુજબ આજીવન કેદની સજા તથા રોકડા રૂ. ૫૦૦૦ દંડ કરેલ. આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, ઈ.પી.કો. કલમ ૩૦૭ મુજબના ગુન્હા સબબ ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૩૦૦૦નો દંડ કરેલ. આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા, ઈ.પી.કો. કલમ ૩૨૬ મુજબના ગુન્હા સબબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રોકડા રૂ. ૩૦૦૦નો દંડ કરેલ. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા કરેલ. ઈ.પી.કો. કલમ ૩૨૫ મુજબના ગુન્હા સબબ એક વર્ષથી સખત કેદની સજા અને રોકડા રૂ. ૧૦૦૦નો દંડ કરેલ. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા કરેલ. ઈ.પી.કો. કલમ ૩૨૩ મુજબના ગુન્હા સબબ છ માસની સાદી કેદની સજા અને રોકડા રૂ. ૫૦૦નો દંડ કરેલ. જો આરોપી દંડ ન કરે તો વધુ ૧ માસની કેદની સજા ઉપરોકત ચારેય આરોપીઓને અદાલતે ફટકારી હતી.

(11:38 am IST)