Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાવરકુંડલાનાં લુવારામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા બાદ પોલીસે અનિચ્છનીય બનાવ અટકાવ્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.પ : સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ગુજસીટોક સહિતના ૩ર ગુનાઓના અપરાધી અશોક બોરીચા સાથે થયેલી ફાયરીંગની ઘટનામાં અશોકની સામે નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં વિડીયો શુટીંગ ઉતારનાર તેમના બહેનએ પોલીસને ઘરમાં પ્રવેશતી અટકાવીઅ ને ફરજમાં રૂકાવટ કરી હોવાના ઉલ્લેખ કરી તેમની ઉપર પણ ગુનો દાખલ કરતા આ મામલે અમદાવાદથી કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતએ ગઇકાલે હું ચાર તારીખે અશોક બોરીચાના માતુશ્રીને મળવા આવુ છુ અને રણનિતી ઘડશુ તેવો વિડીયો વાયરલ કરી સૌને લુવારા આવવા અપીલ કરી હતી.

બપોરે ૩ વાગ્યાથી લુવારામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો જેતપુર, ચોટીલા, બોટાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવ્યા હતા. રાજુલા તથા જિલ્લાના અમુક વિસ્તારોમાંથી પણ સમાજના યુવાનો લુવારા પહોંચી ગયા હતા. ગામમાં મોટી સંખ્યામાં પ્રારંભીક તબકકે આવેલ આ લોકો ગામની એક વાડીમાં એકત્ર થયા હતા અને ત્યાં સમાજના દિકરી માટે શું કરવું તેની ચર્ચા વિચારણા કરી હતી અને સાંજે ત્યાંથી સૌ પરત ગયા હતા. આ દરમિયાન ગામમાં  લુવારા અને સાવરકુંડલા આવતા માર્ગો ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી અને સૌની ચકાસણી કરવામાં આવી હતી.

કાઠી ક્ષત્રીય સમાજને આચાર સંહિતા અને કાયદાનું પાલન કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ગામના રોડ ઉપર આવી અને અપીલ કરી હતી. જિલ્લાભરમાંથી અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ટોળાની વચ્ચે જવામાં ન હેલમેટ, ન હથીયાર સાથે જઇ અને સંયમથી વર્તી તેમને અપીલ કરી હતી તથા બપોરથી સાંજ સુધીમાં લુવારામાં કેમ્પ કર્યો હતો.

ગમે તેવા જોખમો વચ્ચે હિંમતભેર જવાની શ્રી નિર્લિપ્તરાયની આદત અહીં પણ જોવા મળી હતી તે લુવારામાં એકત્ર થયેલા લોકોના સમુહ વચ્ચે પણ બે જગ્યાએ ગયા હતા.

(12:59 pm IST)