Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

શિકારી ગેંગે સિંહોને ટાર્ગેટ કરવા ૧૭ ફાંસલા ગોઠવ્યા'તા

ઝડપાયેલા શખ્સોના રિમાન્ડની તજવીજઃ તમામ ફાંસલા સિંહોના વસવાટ આસપાસ જ હતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ : ગીરમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના શિકારના ષડયંત્રનો ફરી પર્દાફાશ થતા વન વિભાગની ઉંઘ હરામ થઇ ગઇ છે.

બીજી તરફ શિકારી ગેંગે સિંહોના ટાર્ગેટ કરવા માટે ૧૭ જેટલા ફાંસલા, ગોઠવ્યા હતા અને તે પણ સિંહાના વસવાટ આસપાસ હોવાનું જણાતા ભારે ખળભળાટ મચી ગયો છે.

સૂત્રાપાડા વિસ્તારમાંથી ઝડપાયેલ શિકારી ગેંગના ૯ શખ્સોને પાંચ દિવસના રીમાન્ડ પર મેળવવામાં આવેલ છે

મણીબેન હબીબ પરમાર, અસ્લમ સમશેર પરમાર, રાજેશ મનસુખ પરમાર, સમશેર ગુલાબ પરમાર મનસુખ ગુલાબ પરમાર, માનસીંગ ગની પરમાર, અરવિંદ ગની, પરમાર, નુરજહાબેન મનસુખ અને ભીખા સમશેર પરમારના રીમાન્ડ મળતા તમામની આકરી પુછપરછ કરી મુળ સુધી પહોંચવા માટેવન વિભાગે કવાયત શાથ ધરી હોવાનું સીસીએફ ડો. કે.રમેશ અને ડીસીએફ સુનીલ બેરવાલે જણાવ્યું હતું.

દરમ્યાન ગઇકાલે શિહોર, ભાવનગર, બગદાણા, વેરાવળમાંથી વન વિભાગે મહિલાઓ બાળકો સહિત ૩૮ શખ્સોની અટકાયત નહી પરંતુ આ તમામને માત્ર રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું ડી.સીએફ. સુનીલ બેરવાલે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવેલ કે આ શખ્સોની પુછપરછમાં કોઇ ચોકકસ માહિતી મળશે તો તેમની વિધિવત ધરપકડ કરી તેમને પણ રીમાન્ડ ઉપર મેળવવામાં આવશે.

ડીસીએફ સુનીલ બેરવાલે એમ પણ જણાવેલ કે સિંહણના હુમલાથી ઘાયલ થયેલ શખ્શની આજે હોસ્પિટલમાંથી રજા મળ્યેથી

તેની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તેમણે જણાવેલ કે હાલ તો ગેંગના તમામ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમ છતા જુદા જુદા એંગલ પર તપાસ કરવામાં આવી રહી છે.

દરમ્યાન વન વિભાગને ૧૭ જેટલા ફાંસલા હાથ લાગ્યા હોવાનું જાણવા મળે છે. આ તમામ ફાંસલા ર૦૦૭માં જે ફાંસલા કબ્જે કરાયા હતા. તેના જેવા જ છે. એટલું જ નહી ૧૭ જેટલા મળી આવેલા ફાંસલા સિંહ અવરજવર અને ખાસ કરીને વનરાજોના સવસવાટવાળી જગ્યા પાસે ગોઠવેલા હતા. આમ શિકારી ગેંગનો મનસુબો સિંહબાળ સહીત વન્ય પ્રાણીઓનો શિકાર કરવાનો હોવાનું જણાયા વિના રહેતુ નથી.

હાલ તો વન વિભાગ તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતી રહયુ હોવાનું જણાઇ રહયું છે.

(1:07 pm IST)