Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જસદણના ભંડારીયા ગામે ધોળા દિ'એ બંધ મકાનમાંથી ૧.૭૭ લાખની મતાની ચોરી

રમેશભાઇ મકવાણાનો પરિવાર વાડીએ ગયો ત્યારે જ ચોરી થઇઃ ઘરમાંથી તાળાની ચાવી મળતા જાણભેદુની સંડોવણીની શંકા

રાજકોટ તા. પઃ જસદણના ભંડારીયા ગામે ધોળા દિ'એ ખેડૂતના બંધ મકાનમાંથી ૧.૭૭ લાખની મતાની ચોરી થઇ હતી. ઘરમાંથી તાળાની ચાવી રેઢી મળતા કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ભંડારીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઇ વાઘાભાઇ મકવાણા તથા તેનો પરિવાર મકાન બંધ કરી સવારે વાડીએ ગયા હતા અને બપોરે ઘરે પરત ફરતા મકાનનું ઘરનું તાળુ ખુલેલ હોય તપાસ કરતા ઘરના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂ. ર૦,૦૦૦ મળી ૧,૭૭,૦૦૦ની મતા ચોરી થયાની જાણ થતા ભાડલા પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. એચ. ડી. હિંગરોજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જયાં ચોરી થઇ છે તે મકાનનું તાળુ પણ તુટેલ  ન હતું અને ઘરમાંથી તાળાની ચાવી રેઢી મળી આવી હતી. ખેડૂત પરિવારે મકાનની જયાં ચાવી રાખી હતી ત્યાંથી ચાવી લઇ તાળુ ખોલી ચોરી કરી હોય આ બનાવમાં કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શંકા છે.

ભાડલા પોલીસે ખેડૂત રમેશભાઇ મકવાણાની ફરીયાદ ઉપરથી અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો હતો. ભાડલાના પી.એસ.આઇ. એચ. ડી. હિંગરોજાએ ફરીયાદ ખેડૂતના કુટુંબીજનોની પૂછતાછ કરી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.

(1:12 pm IST)