Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૩થી ૪ હજાર ગુણી તુવેરની આવકઃ ટેકાના ભાવ ૧૨૦૦ રૂપિયા મળતા હોવાથી ખેડૂતો વેચાણ માટે આવતા નથી

જૂનાગઢ:  માર્કેટીંગ યાર્ડમાં તુવેરની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં દરરોજ ત્રણ થી ચાર હજાર ગુણી તુવેરની આવક થાય છે અને ખુલ્લી હરરાજીમાં એક હજારથી વધુનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનો 1200 રૂપીયા ટેકાનો ભાવ છે પરંતુ હજુ સુધી ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેંચવા આવ્યા નથી.

જૂનાગઢના સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ખાતે હાલ તુવેરની સારી એવી આવક થઈ રહી છે. યાર્ડમાં દરરોજ ત્રણ થી ચાર હજાર ગુણી તુવેરની આવક થાય છે અને ખુલ્લી હરરાજીમાં ખેડૂતોને તુવેરના પ્રતિ મણ એક હજારથી વધુના ભાવ મળી રહ્યા છે.બીજી તરફ સરકાર દ્વારા પણ ખડીયા અનાજ ગોડાઉન ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ભેંસાણ અને વિસાવદર તાલુકા માટે આ કેન્દ્ર કાર્યરત કરાયું છે જેમાં અત્યાર સુધીમાં 1374 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી ફેબ્રુઆરી થી સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે અને સરકારના તુવેરના 1200 રૂપીયા પ્રતિ મણ ટેકાના ભાવ રખાયા છે. પરંતુ હજુ સુધી કોઈ ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેંચવા કેન્દ્ર પર આવ્યા નથી.

ચાલુ વર્ષે મગફળીમાં પણ ખેડૂતોએ ટેકાના ભાવે વેંચવાને બદલે ખુલ્લી હરરાજીમાં વેંચવાનો આગ્રહ રાખ્યો હતો અને હવે તુવેરમાં પણ ટેકાના ભાવે વેંચવામાં ખેડૂતોની નિરસતા જણાય રહી છે. ટેકાના ભાવે જણસીની ખરીદીમાં સરકારના નિતિ નિયમો મુજબ રીજેક્ટ થવાની સંભાવના રહેતી હોય છે. જ્યારે ખુલ્લી હરરાજીમાં થોડા ઓછા ભાવે પણ ખેડૂતો પોતાની જણસી વેંચી રહ્યા છે.

(4:53 pm IST)