Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-૨૦૨૩મા ૩૧.૨૪ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ : ૫૬.૫૮ મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં જૂનાગઢનો પરમાર લાલા પ્રથમ : ૩૮.૫૨ ‌ મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની રંજના યાદવ પ્રથમ: ૧ કલાક ૩૧ સેકન્ડ ના સમય સાથે જુનિયર ભાઈઓમાં હરિયાણાનો સાગરભાઈ પ્રથમ : ગિરનારને સર કરવા ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી

જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. ૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકો નોંધાયા હતા

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૫ : જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા  આજે  ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. ૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકો નોંધાયા હતા.

 

            સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ૩૧.૨૪ મિનિટનો સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં ગુજરાતના પરમાર લાલાએ ૫૬.૫૮ મિનિટના, જુનિયર બહેનોમાં ૩૮.૫૨ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની રંજના યાદવ, જુનિયર ભાઈઓમાં ૧ કલાક ૩૧ સેકન્ડ ના સમય સાથે હરિયાણા ના સાગરભાઇએ પ્રથમ  ક્રમ હાસિલ કર્યો હતો.

 

            યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સહિતના મહાનુભવોએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

 

            કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી ગીતાબેન પરમારે  ૧૫ મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના  જોમ અને  જુસ્સાને બીરદાવયો હતો.   

 

            આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં બીજા ક્રમે સિંધુ રીતુરાજ, તૃતીય ક્રમે અનિતા રાજપુત રહી છે. જ્યારે સિનિયર બોયઝ માં દ્વિતીય ક્રમે રાહુલભાઈ, તૃતીય ક્રમે રામનિવાસ રહ્યા હતા.

 

    જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે કથેચીયા અસ્મિતા, તૃતીય ક્રમે બંધના યાદવ રહી હતી. જુનિયર બોયઝમાં બીજા ક્રમે મોહમ્મદ શાહીદ, તૃતીય ક્રમે રાહુલભાઈ રહ્યા હતા.

 

    મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલી ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા,   કોર્પોરેટર શ્રી શારદાબેન પુરોહિત, આધ્યા શક્તિબેન મજમુદાર, અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી યોગીભાઈ પઢીયાર, પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

 

    ગિરનાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી   પ્રથમ થી દસ ક્રમાંક સુધી આવનાર ને ચારેય કેટેગરીના સ્પર્ધકોને કુલ રૂ. ૫,૫૦ લાખની પ્રોત્સાહક રાશી અર્પણ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ ક્રમે આવનારને રૂ.૫૦ હજાર, બીજા ક્રમે આવનારન રૂ.૨૫ હજાર, તૃતીય ક્રમે આવનાર ને રૂ ૧૫ હજાર આપવામાં આવે છે. જ્યારે મહાનગરપાલિકા દ્રારા કુલ રૂ.૫૨,૪૦૦ રોકડ પુરસ્કાર, ટ્રોફી   આપવામાં આવે છે.

 

    તેમજ ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી  સાગરભાઈ  કટારિયા જૂનાગઢ  દ્વારા  ૪  વિભાગના ટોપ ૧૦ સ્પધકોને વોટર બોટલ,  સંદીપભાઈ તથા જિજ્ઞાસાબેન વસાવડા તરફથી  પ્રથમ ૪ વિજેતા સ્પર્ધકને રૂ.૧૦૦૦, ડોળી એસોસીએશન પ્રથમ ૪ વિજેતા સ્પર્ધકને દ્વારા રૂ.૨૫૦ ના કેસ પ્રાઇસ આપવામાં આવ્યા હતા.

 

    સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળાએ કર્યું હતું. આભાર વિધિ પ્રાંત યુવા અધિકારી શ્રી ઉપેન્દ્ર રાઠોડે કરી હતી.રમત ગમતમાં દીકરીઓને પ્રોત્સાહન આપવાની આગવી શૈલી રજૂ કરી હારુન વિહળે  સ્પર્ધાનું સુંદર સંચાલન કર્યું હતું.

 

                                                

 

સ્પર્ધામાં ગુજરાત હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યના સ્પર્ધકોનો દબદબો

 

 

 

 

    જૂનાગઢ,તા.૫

 ૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં  સિનિયર બહેનો ભાઈઓ અને જુનિયર બહેનો ભાઈઓમાં પ્રથમ ૪૦ વિજેતા સ્પર્ધકોમાં ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ રાજ્યના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી ૧૭ સ્પર્ધકો, હરિયાણાના રાજ્યના ૧૫ સ્પર્ધકો અને ઉત્તર પ્રદેશ રાજ્યના ૮ સ્પર્ધકો વિજેતા રહ્યા હતા.

 

                                           

 

જૂનાગઢના લાલા અને કાશ્મીરના ઈમરાન અશરફનું 'યારાના: કશ્મીરના ઉરીથી આવેલ ઈમરાન અને ગિરનાર સ્પર્ધામાં પાંચ વખત વિજેતા રહેલા લાલા સાથે રસપ્રદ વાર્તાલાપ...ઈમરાને કહ્યું,..... જીતતે હૈ ઉસે લાલા કહેતે હૈ

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જમ્મુ કશ્મીરથી ભાગ લેવા આવેલા યુવાનોના જૂથે ગીત- શાયરીઓ રજૂ કરી સમા બાંધ્યો : ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ( -ખાસ અહેવાલ -રોહિત ઉસદડ)

 

 

 

જૂનાગઢ તા.૫   

૧૫મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જમ્મુ કશ્મીરના યુવાનોનું એક જૂથે ભાગ લીધો હતો. જેમાં LOC  એટલે કે, લાઈનો ઓફ કંટ્રોલની એકદમ નજીક આવેલા ઉરીના ઈમરાન અશરફ અને ગિરનાર સ્પર્ધાનો પાંચ વખતનો વિજેતા રહેલ લાલા પરમારનું એક અનોખું 'યારાના' જોવા મળ્યું હતું.

 

     ગિરનાર સ્પર્ધા પૂર્ણ કર્યાં બાદ સ્પર્ધકો રિલેક્સ થઈ રહ્યા હતા. જેમાં ઉરીના ઈમરાન અશરફની નજર ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં છેલ્લા કેટલાક વર્ષોથી 'અનબિટેન' રહેલ જૂનાગઢના લાલા પરમાર પર નજર પડે છે. ત્યારે ઈમરાન લાલાના ઘુઘરાળા વાળ જોઈને કહે છે કે, "બુરા ન  માનો તો એક બાત કહું... તુમ બિલકુલ લસિત મલિંગા લગ રહે હો..." જેમાંથી બંને વચ્ચે વાતનો સિલસિલો આગળ વધે છે, ત્યારે હાજર એક સ્પર્ધકે કહ્યું કે, લાલા પરમાર ગિરનાર સ્પર્ધામાં પાંચ વખત વિજેતા રહેલ છે, ત્યારે લાલા પરમારની આ સરળતા અને સહજતા જોઈ ઈમરાનના મનમાં ખૂબ સન્માનનો ભાવ જાગ્યો.

 

    ઈમરાન કહે છે કે, લાલા સાથે પ્રથમવાર તો વાત કરવામાં કચવાટ અનુભવ્યો. ગિરનાર જેવી કઠિન સ્પર્ધામાં પાંચ વખતનો ચેમ્પિયન છે, છતાં તેનામાં જરા પણ અભિમાન કે ગુરુર જોવા મળ્યું નહીં. સાથે જ લાલો દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત-મોટીવેટ પણ કરે છે. આજે લાલા ઉપર અમને ગર્વ છે અને તેના જેવા યુવાનો દેશનું નામ રોશન કરે છે.

 

    ઈમરાન લાલાની પ્રશંસા કરતા એક શાયરી કહે છે કે,

 

 

 

ગલે મેં ડાલે ઉસે, માલા કહેતે હૈ,

 

કમ્પિટિશન કરને, યહા ઓલ ઇન્ડિયા સે આતે હૈ,

 

પર જીતતા હૈ, ઉસે લાલા કહેતે હૈ,

 

    ગિરનાર આરોહણ-અવરોહણ કઠિન સ્પર્ધામાં ભાગ લેવો જ એક ખૂબ મોટી વાત છે. આમ, પણ જીતવા માટે હારવું પડે છે અને તેના પછીનો તબક્કો છે શીખવાનો. આ વખતે એક ટૂંકા ગાળાના સમયમાં ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી થયું હતું. પૂરતી તૈયારીઓ કરવાની તક ન મળી હતી. પરંતુ અમે ફરી આવીશું અને જીતવાનો પ્રયાસ કરીશું. તેમ જણાવતા ઈમરાન તેના શાયરના અંદાજમાં કહે છે કે,

 

ગિરતી હૈ શાહ સવારી, જંગે એ મેદાન મૈ,

 

વો તિફ્લ ક્યાં ગિરે, જો ઘૂંટનો કે બલ ચલે...

 

                ઈમરાને કહ્યું કે, અમે અહીંયા આવીને ગિરનાર સર કરવાની કોશિશ કરી છે અને સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી છે. આ સાથે દેશભરમાંથી ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. અને યુવાનોને ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.

 

        મંગલનાથ આશ્રમના પરિસરમાં ઈમરાન અને લાલાની આ મુલાકાત બાદ ઘણાં સ્પર્ધકો એકઠા થઈ ગયા હતા. આ હળવા વાતાવરણમાં કશ્મીરથી આવેલા અન્ય સ્પર્ધકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ હિન્દી ફિલ્મોના ગીત રજૂ કરી એક સમા બાંધ્યો હતો.

 

આમ, આ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા માત્ર એક સ્પર્ધા ન બની રહેતા તેમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારતના' ના દર્શનની સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ જોવા મળ્યું હતું.  

 

આ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોએ વહેલી સવારે ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો.

 

                                            

 

                                      

હાથમાં ફ્રેક્ચર થયું.... પણ ગિરનાર સર કરવા જુસ્સો અડીખમ

જૂનાગઢ,તા.૫ 

ઉનાના સિલોજ ગામનો હરેશ ભાલીયા છેલ્લા ત્રણેક વર્ષથી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લે છે. અને ટોપ-૧૦ નંબરમાં સ્થાન પણ પ્રાપ્ત કરે છે. આ વખતે હરેશ પ્રેક્ટિસ દરમિયાન પડી જવાથી હાથમાં ફ્રેક્ચર થયું હતું તેમ છતાં હરેશનો ગરવા ગિરનારને સર કરવાનો જુસ્સો ઓસર્યો ન હતો.

 હરેશ ગરવા ગિરનારને સર કરવા માટે છેલ્લા દશેક દિવસથી ગિરનાર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હરેશ અભ્યાસ કરવાની સાથે સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.

એક સમયે એક ભિક્ષાવૃત્તિ કરી.... પણ હવે ઈડરિયો ગઢ સર કરી, ગરવો ગિરનાર પણ સર કર્યો

    જૂનાગઢ,તા.૫ : અંબાજી-કુંભારીયા વિસ્તારમાં એક સમયે ભિક્ષાવૃત્તિ રહેલા બાળકોને ફરી સમાજની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે. આજે આ બાળકો અતીતને ભુલાવી નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે.

   અંબાજી ખાતેની શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષાવૃત્તિ કરી રહેલા બાળકોને સર્વાંગી વિકાસ માટે આગળ આવી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે હોસ્ટેલ સહિતની સવલતો આપી. તેના પરિણામે આજે આ બાળકો જુદી- જુદી સ્પર્ધામાં આગળ વધી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ ઇડરિયા ગઢની સ્પર્ધામાં બાજી માર્યા બાદ, પાંચ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ વિદ્યાર્થીઓએ કેવડિયા ખાતેની એકતા પરેડમાં પણ ભાગ લીધો હતો અને બેન્ડમાં ચેમ્પિયન બન્યા હતા. તેમ શિક્ષક શ્રી ઈરફાન કુરેશીએ જણાવ્યું હતું.

જાણો, શું કહ્યું અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકે વિજેતાઓએ : મિત્રોની શુભેચ્છાઓથી જીતનો આનંદ વધે છે: હવે પછીની મારી ઈચ્છા મારો રેકોર્ડ તોડવાની: ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ચેમ્પિયન લાલા પરમારનો પ્રતિભાવ: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ઘર આંગણે અથાગ પ્રેક્ટિસ કરીને પોતાનો જ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે: તામસી સિંગ: કોઈપણ સ્પર્ધા જીતવા માટે ઊર્જાની સાથે સાથે હિંમત પણ ખૂબ જ જરૂરી હોય છે: રંજના યાદવ: જૂનાગઢના આ પહાડોમા હરિયાણાની તાજી હવા મહેસૂસ થાય છે: સાગર

    જૂનાગઢ તા,૫.  :જુનાગઢ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોના ૫૪૫ સ્પર્ધકોએ ઉત્સાહ સાથે  ભાગ લીધો હતો. જેમાં ગર્લ્સ અને બોયઝમાં સિનિયર અને જુનિયર વિભાગની જુદી જુદી ચાર કેટેગરીમાં દસ ક્રમાંક સુધીના ૪૦ વિજેતા સ્પર્ધકોને  મહાનુભાવોએ સ્ટેજ પરથી પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. વિજેતા આ ૪૦ પૈકી ચારેય વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા વિજેતા ખેલાડીઓએ પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા.

    સતત પાંચ વર્ષથી વિજેતા સિનિયર બોયઝ કેટેગરીમાં પ્રથમ નંબરે આવેલા જૂનાગઢના પરમાર લાલાભાઇ ચીમનભાઈ ૫૬.૫૮ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરીને વિજેતા બન્યા હતા. લાલાભાઇએ જણાવ્યું કે, મિત્રોની શુભેચ્છાઓથી જીતનો આનંદ વધે છે, હવે પછીની મારી ઈચ્છા મારો રેકોર્ડ તોડવાની છે. અહીં સ્પર્ધામાં આવતા અન્ય રાજ્યના સ્પર્ધકો સાથે મિત્રતા કેળવાય છે, જેથી ત્યાંની રમતો વિશે પણ જાણવા મળે છે. ભવિષ્યમાં હું રમત ક્ષેત્રે આગળ વધીને રાજ્ય અને દેશનું નામ રોશન કરવા ઇચ્છુ છુ.

   ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ઘર આંગણે અથાગ પ્રેક્ટિસ કરીને પોતાનો જ  નવો રેકોર્ડ સ્થાપિત કરનાર સિનિયર ગર્લ્સ કેટેગરીમાં વિજેતા તામસીસિંગે ૩૧.૨૪ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી છે. આ અગાઉ વર્ષ ૨૦૨૨ મા તામસીએ આ સ્પર્ધા ૩૨.૨૨ મિનિટમાં પૂર્ણ કરી હતી. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી નિયમિત પ્રેક્ટિસ કરે છે. અને ભવિષ્યમાં ખેલકૂદમાં જ આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશના કાશી જિલ્લાથી ગિરનારની ગોદમાં યોજાયેલ સ્પર્ધામાં આવેલી રંજના યાદવે જુનિયર ગર્લ્સ વિભાગમાં ૩૮.૫૨ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ તકે રંજના બહેને હર્ષ વ્યક્ત કર્યું કે, મારાથી વિશેષ મારા માતા-પિતા આજે ખુશ થઈ રહ્યા છે તે જોઈને હું ગદગદી ઉઠી છું. કોઈપણ સ્પર્ધા જીતવા માટે ઊર્જાની સાથે સાથે હિંમત પણ ખૂબ જ જરૂરી હોય છે.

જુનિયર બોયઝ કેટેગરીમાં ૧.૦૩૧ કલાકમાં દોડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંકે આવેલા હરિયાણાના સાગરે કહ્યું કે, સ્પર્ધા જીતનારનો ઉત્સાહ વધે છે. દરેક સ્પર્ધકને કંઈક શીખવા મળતું હોય છે જેથી તે ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ કરી શકે. ગુજરાત આવવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જૂનાગઢના આ પહાડોમા હરિયાણાની તાજી હવા મહેસૂસ થાય છે. આ પ્રકારની સ્પર્ધાનું આયોજન થવાથી અલગ અલગ રાજ્યના સ્પર્ધકો આપસમાં મળે છે અને આમ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને ખરા અર્થમાં સાર્થક કરી શકાય છ

હરિયાણાના સ્પર્ધકો કહે છે કે.... ગીરના જંગલમાં વિહરતા સિંહો અને પ્રાકૃતિક સૌંદર્યને માણવો એક લ્હાવો છે

જૂનાગઢ તા.૫  :હરિયાણાના હિસાર-ફતેબાદથી આવેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને સર કરવા માટે આદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો. આ સાથે તેમણે સ્પર્ધાના પૂર્વે જૂનાગઢ,સાસણ અને સોમનાથ નજીકના પ્રવાસન સ્થળોની પણ શેર કરી હતી.

 હરિયાણાની મીનુ શર્મા કહે છે કે, અમે ગ્રુપમાં અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છીએ. આ સ્પર્ધાની પૂર્વે સાસણ અને સોમનાથની સફરનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને સાસણ ખાતે ગિર અભયારણ્યમાં સિંહને નજીકથી જોવાની તક મળી હતી. ખરેખર વનમાં વિહરતા સિંહને જોવા એક એક લ્હાવો છે. સાથે જ ઉછળકૂદ કરતા હિરણ સહિતના પશુ-પક્ષીઓને નિહાળ્યા હતા. સોમનાથ ખાતે પણ ભગવાન મહાદેવના દર્શન કરવાની સાથે રળિયામણા દરિયા કિનારાનો આનંદ માણ્યો હતો. ઉપરાંત તેમણે જૂનાગઢમાં સક્કરબાગ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.

અહીંયાના લોકો ખૂબ સેવાભાવી, જમીનથી જોડાયેલા અને ગરીબ લોકોની મદદ કરે છે

અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં જમ્મુ કશ્મીરના ઉરીથી આવેલા શિક્ષક શ્રી નાસીર અહેમદ જણાવે છે પોતાના અનુભવો....

    જૂનાગઢ તા.૫ :અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં જમ્મુ-કાશ્મીર રાજ્યના ઉરી ખાતેથી વિદ્યાર્થીઓનું એક જૂથ આવ્યું હતું. તેમની સાથે આવેલા શિક્ષક શ્રી નાસીર અહેમદ કહે છે કે, અહીંયા ઉપરકોટના કિલ્લાની સાથે રોપ-વેના સફરની મજા માણી હતી. ગિરનાર પર્વત કાશ્મીરના પર્વતોથી અલગ છે. છતાં ત્યાં પણ રોપ-વે ડેવલપ થઈ શકે તેમ છે. જેથી રોજગારીની નવી તકો સાંપડી શકે. આ સાથે ઉપરકોટના કિલ્લાને નિહાળવાના અનુભવને યાદગાર ગણાવ્યો હતો.

    શ્રી નસીરે પોતાના અનુભવો વ્યક્ત કરતાં કહ્યું કે, અહીંયાના લોકો ખૂબ સેવાભાવી, જમીનથી જોડાયેલા અને ગરીબ લોકોની મદદ કરે છે...અહીંના ટ્રસ્ટો- સેવાભાવી સંસ્થાઓ જે લોકોને આગળ લાવવામાં ખૂબ સહાયરૂપ થઈ રહ્યા છે. તે જમ્મુ કાશ્મીર માટે શીખવા જેવું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, જૂનાગઢ પહેલીવાર આવ્યા છીએ પરંતુ જાણે પોતાનું જ ઘર હોય તેવો અનુભવ રહ્યો છે.

   જમ્મુ-કાશ્મીરના આ શિક્ષક અને વિદ્યાર્થીઓને વિશ્વગ્રામ ટ્રસ્ટે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હોવાનું જણાવ્યું હતું.(તસ્વીર : મુકેશ વાધેલા - જુનાગઢ)

(6:29 pm IST)