Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોનાના કપરાકાળમાં ધ્રોલના બે ભાઇઓએ માનવતા મહેકાવી

પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી ભાવીનભાઇ અને જતીનભાઇએ પાંચ ઓકિસજન સીલીન્ડર અને ડ્રાઇવર સાથે વિનામૂલ્યે એમ્બ્યુલન્સને સરકારી હોસ્પિટલમાં સોંપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪ : હાલ સમગ્ર દુનિયા કોરોનાની મહામારીમાં સપડાયેલી છે ત્યારે અમુક લોકો આ મહામારીનો ફાયદો ઉઠાવવા માનવતાને નેવે મુકીને નાણાં કમાવવાની લ્હાયમાં પડ્યા હોય છે ત્યારે આવા કપરા સમયમાં ધ્રોલના બે ભાઇઓ ભાવીનભાઇ અનડકટ અને જતીનભાઇ અનડકટ કોરોના દર્દીઓની વ્હારે આવીને માનવતા મહેકાવી છે.

કોરોના મહામારીથી ધ્રોલ પંથકમાં પણ અછૂતો નથી રહ્યો, અહીંના દર્દીઓને સારવાર અર્થે જામનગર, રાજકોટ અને અમદાવાદ જવું પડતું હોય ત્યારે એમ્બ્યુલન્સ અને ઓકિસજનની અછતના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધ્રોલ પંથકના બે ભાઇઓ ભાવીનભાઇ અનડક અને જતીનભાઇ અનડકટ કે જેઓનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી નિૅંસ્વાર્થ ભાવે સમાજસેવા માટે જાણીતો હોય ત્યારે હાલની કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે.

ભાવીનભાઇ અને જતીનભાઇએ પોતાની માલિકીની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં પરિવર્તીત કરીને ડ્રાઇવર સાથે કોઇપણ ચાર્જ લીધા વિના વિનામૂલ્યે દર્દીઓની સેવામાં સરકારી હોસ્પિટલમાં સમર્પિત કરી દીધી છે, સાથે-સાથે એમ્બ્યુલન્સમાં પાંચ ઓકિસજનના સીલીન્ડર પણ ફીટ કરાયા છે તે પણ ઓકિસજન ફ્લો મીટર સાથે અર્પણ કરેલ છે.સીલીન્ડરનું અનુદાન શ્રી કેતનભાઇ અનડકટ તરફ થી મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવીનભાઇ અને જતીનભાઇ છેલ્લા કેટલાય વર્ષોથી સમાજ સેવાના કાર્યો કરતા હોય છે પંથકમાં કોઇપણ કુદરતી આપદા હોય કે સમાજસેવાનું કામ હોય તેઓનું હંમેશા સિંહફાળો હોય છે ત્યારે હાલની મહામારીના કપરા સમયમાં પણ તેઓ આગળ આવીને માનવ સેવા માટે પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી સેવામાં આપી દીધી હોય ત્યારે તેઓએ 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના સુત્રને સાર્થક કર્યુ છે.

(12:51 pm IST)