Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ૧૦ના મોત અને ૪૭૨ પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૫,૪૮૭ કેસો પૈકી ૪,૫૦૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૫ : ભાવનગર જિલ્લામા ૪૭૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૫,૪૮૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૫૧ પુરૂષ અને ૧૪૦  સ્ત્રી મળી કુલ ૩૯૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૮, ઘોઘા તાલુકામાં ૪, તળાજા તાલુકામાં ૨, મહુવા તાલુકામાં ૧૨, ઉમરાળા તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૧૯, જેસર તાલુકામાં ૩ તેમજ ગારીયાધાર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૮૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં ટીમાણા ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં સોસીયા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૦ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૯૩ અને તાલુકાઓમાં ૮૩ કેસ મળી કુલ ૨૭૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૫,૪૮૭ કેસ પૈકી હાલ ૪,૫૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૮૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:14 am IST)